થ્રીડીમાં મતદારયાદીમાં નામ ઉમેરવા સ્પેશિયલ ડ્રાઈવ શરુ
- byDamanganga Times
- 03 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૦૨ ઃ સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવમાં સ્થળાંતરિત વસ્તીના કારણે મતદારોમાં ઘટાડો નોંધાયો છે. ચૂંટણી પંચ દ્વારા ઍસઆઈઆરની કામગીરી પૂર્ણ થયા બાદ હવે મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. મુખ્ય ચૂંટણી અધિકારી અરુણ ટી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સંઘ-દેશમાં અંદાજે ૧૦ હજાર જેટલા યુવા વિદ્યાર્થીઓ ઍવા છે, જેઓ મતદાર યાદીમાં નોંધાયેલા નથી. આવા યુવાનોને મતદાર યાદીમાં સામેલ કરવા શિક્ષણ વિભાગના સહયોગથી સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવશે.
ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ, દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવમાં સ્થળાંતરિત વસ્તીનું પ્રમાણ આશરે ૫૦ ટકા હોવાથી મતદાર યાદીમાં પણ ઘટાડો નોંધાયો છે. સંઘપ્રદેશમાં સૌથી વધુ મતદારોના નામો ઘટવા અંગે ચૂંટણી અધિકારીઍ જણાવ્યું હતું કે પ્રદેશમાં ૫૦ ટકા સ્થળાંતરિત વસ્તી હોવાના કારણે આ પ્રમાણ ઊંચું છે.
ચૂંટણી અધિકારીઍ વધુમાં જણાવ્યું કે, રાજકીય પક્ષોની નિષ્ક્રિયતા પણ જવાબદાર હોવાનું જણાયું છે. મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે લોકોને જાગૃત કરવામાં આવશે અને પાત્ર યુવાનોને મતદાર તરીકે નોંધણી કરાવવા વિશેષ અભિયાન હાથ ધરાશે.
