વલસાડમાં બંધ રેલવે ક્વાર્ટરમાંથી ચાંદીના દાગીના સહિત રૂ.૧૫,૪૮૦ની મત્તા ચોરાઈ
- byDamanganga Times
- 03 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃ વલસાડ ઈસ્ટ રેલવે યાર્ડ ક્વાર્ટરમાં રહેતા રેલવે કર્મચારીના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો રોકડ, ચાંદીની પાયલ અને પિત્તળની મૂર્તિઓ મળી કુલ ૧૫,૪૮૦ની ચોરી કરી નાસી છૂટ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે.
વલસાડ ઈસ્ટ રેલવે યાર્ડ ક્વાર્ટર નં. ૨૭૭/બી ખાતે રહેતા અને પડ્ઢિમ રેલવેમાં ટ્રેકમેન તરીકે ફરજ બજાવતા રામચંદ્ર બાલકૃષ્ણ રાઉત પરિવાર સાથે વતન પેંડુરવાડી તા. સાવંતવાડી, જિ. સિંધુદુર્ગ માં ગણેશોત્સવ મનાવવા ગયા હતા. પરિવાર ગત તા. ૧૨ સપ્ટેમ્બરના રોજ ઘર બંધ કરીને વતન ગયો હતો. દરમિયાન, પરિવાર તા. ૧૯ સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે પરત ફર્યો ત્યારે ઘરના પાછળના દરવાજાનું તાળું નકુચા સાથે તૂટેલું જણાયું હતું. ઘરમાં તપાસ કરતાં બેડરૂમમાં રાખેલી લોખંડની તિજોરીનો દરવાજો તોડી અંદરથી રોકડા ૮,૦૦૦, પૂજાના મંદિરમાં રાખેલા ગલ્લામાંથી રોકડા ૮૦૦, તેમજ દીકરીના સ્કૂલ બેગમાંથી રોકડા ૩,૬૩૦ ગાયબ હતા. આ ઉપરાંત, પૂજાના મંદિરમાંથી મહાલક્ષ્મીજી અને ગણેશજીની પિત્તળની મૂર્તિઓ કિંમત આશરે ૧,૦૦૦ તથા બીજા કબાટમાંથી ચાંદીની પાયલ કિંમત ૨,૦૫૦ મળી કુલ ૧૫,૪૮૦ની મતા ચોરાઈ ગઈ હતી.
આ અંગે આસપાસ તપાસ કર્યા બાદ કોઈ ભાળ ન મળતાં રામચંદ્ર રાઉતે અજાણ્યા ચોર ઈસમ સામે કાયદેસરની વલસાડ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
