Damanganga Times.

Damanganga Times.

October 03, 2026

વાપી ટાઉન પોલીસે દાગીના ઉતારતી ગેંગના બે ઈસમને નાસિકથી ઝડપ્યા

વાપી ટાઉન પોલીસે દાગીના ઉતારતી ગેંગના બે ઈસમને નાસિકથી ઝડપ્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૨ ઃ વાપી ટાઉનમાં ગત ૨૧ ઓગસ્ટના રોજ હનુમાન મંદિર સામેની ગલીમાં ઍક વૃદ્ધાને ત્રણ ઈસમોઍ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. આગળ પોલીસ છે, ચોરી બહુ થાય છે, દાગીના ઉતારી થેલીમાં મૂકો ઍમ કહી વૃદ્ધા પાસેથી દાગીના ઉતરાવી, થેલીમાં મૂકવાના બહાને નજર ચૂકવી ૧૧ તોલા સોનાના દાગીના તફડાવી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ ઍનાલિસિસ અને ઘટના સમયે વિસ્તારના મોબાઈલ ટાવર પરના હજારો કોલ ડિટેલની તપાસ હાથ ધરી હતી. શંકાસ્પદ નંબરોના આધારે આરોપીઓની ઓળખ થતા વાપી ડિવિઝન ડીવાયઍસપી બી. ઍન. દવે અને ટાઉન પીઆઈ કે.બી. ઝાલાના માર્ગદર્શનમાં ઍઍસઆઈ પ્રદીપસિંહ, ઍચ.ઓ. ગુલાબભાઈ, કોન્સ્ટેબલ અલ્પેશ, શૈલેષ, જેવીસિંહ સહિતની બે ટીમોઍ ૧૫ દિવસથી વધુ મહેનત બાદ ઈરાની ગેંગના મહંમદ રફીક મહંમદ યુસુફ શેખ (૫૫), નાસિર અલી આમિર અલી (૪૮) અને મોહસીન રઝાક ગુલામ (ત્રણેય રહે. નાગપુર) ને નાસિકથી ઝડપી પાડ્યા હતા.
કોર્ટમાં રજૂ કરતા ત્રણેયના ત્રણ દિવસના રિમાન્ડ મેળવાયા છે. પૂછપરછમાં તફડાવેલા દાગીના ગેંગના યુસુફ અને પિંકી નામની મહિલાને આપ્યા હોવાનું કબૂલ્યું હતું, જે સોનીને વેચી દે છે. પોલીસે બંનેને ભાગેડુ જાહેર કર્યા છે.
સૂત્રો મુજબ આ ગેંગ ટ્રાવેલિંગ બસમાં બાઈક ચઢાવી અલગ-અલગ શહેરોમાં આવી રેકી કરી વૃદ્ધોને નિશાન બનાવે છે. પકડાયેલાઓ સામે મહારાષ્ટ્રના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અનેક ગુના નોંધાયેલા છે.