વલસાડ-સુરત વચ્ચે નવી મેમુ ટ્રેનને લીલી ઝંડી અપાઈ
- byDamanganga Times
- 03 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃ વલસાડ લોકસભા મતવિસ્તારના દૈનિક મુસાફરો, નોકરિયાતો, વેપારીઓ અને વિદ્યાર્થીઓની લાંબા સમયની માંગણીને ધ્યાને રાખીને રેલવે બોર્ડ દ્વારા વલસાડથી સુરત વચ્ચે નવી મેમુ ટ્રેન મંજૂર કરવામાં આવી છે. આજે વલસાડ રેલવે સ્ટેશન પર આયોજિત ઍક કાર્યક્રમમાં વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ તથા વલસાડ નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ દ્વારા સંયુક્ત રીતે લીલી ઝંડી આપી આ નવી મેમુ ટ્રેનની પ્રારંભિક યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે, વલસાડ અને સુરત વચ્ચે દરરોજ હજારોની સંખ્યામાં નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને પાસ હોલ્ડરો આવન-જાવન કરે છે. આ નવી મેમુ ટ્રેન શરૂ થવાથી મુસાફરોના સમયની બચત થશે અને દૈનિક આવાગમન વધુ સરળ, ઝડપી અને સુવિધાજનક બનશે, સાંસદે વધુમાં ઉમેર્યું હતું કે પ્રજાના હિત અને દૈનિક પ્રવાસીઓની સુવિધા માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. આ નવી શરૂ થયેલી મેમુ ટ્રેનનો સમય કોરોના મહામારી પહેલાં દોડતી લોકપ્રિય ‘વિરાજ શટલ’ મુજબ સવારે ૧૧ઃ૦૦ વાગ્યાનો કરવામાં આવે, જેથી મુસાફરોને મહત્તમ લાભ મળી શકે, તે અંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને ખાસ રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત વલસાડ સંસદીય વિસ્તારના વિવિધ રેલવે સ્ટેશનો પર પ્રવાસી સુવિધાઓ વધારવા સંદર્ભે પણ રેલવે મંત્રાલય સમક્ષ સક્રિય રજૂઆતો કરવામાં આવી છે કાર્યક્રમ દરમિયાન વલસાડ રેલવે વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ, કાર્યકરો તથા મોટી સંખ્યામાં દૈનિક મુસાફરો અને નાગરિકો ઉપસ્થિત રહ્ના હતા અને નવી ટ્રેનની શરૂઆત બદલ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી
