Damanganga Times.

Damanganga Times.

October 02, 2026

વાપી બાર ઍસો. ૩ અોક્ટો. સુધી કામથી અળગું રહેશે

વાપી બાર ઍસો. ૩ અોક્ટો. સુધી કામથી અળગું રહેશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૧ ઃ ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ના વિરોધમાં વાપી બાર ઍસોસિઍશન દ્વારા તા.૩૦ સપ્ટેમ્બરથી તા.૩ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી કોર્ટની કામગીરીથી અળગા રહેવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. વાપી બાર ઍસોસિઍશનના પ્રમુખ સતિષભાઈ પટેલની આગેવાની હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ અંગે વાપીના ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન જજ, ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ સિવિલ સિનિયર જજ તથા ઍડિશનલ સિનિયર સિવિલ જજ સહિતના ન્યાયિક અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વાપી બાર ઍસોસિઍશનના સભ્યોની તાકીદની અસાધારણ સભા પણ યોજાઈ હતી. સભામાં ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬ અંગે ચર્ચા કરી જણાવાયું હતું કે, નવા કાયદાને કારણે રાજ્યના નાગરિકો તેમજ વકીલોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આથી કાયદામાં જરૂરી સુધારા-વધારા કરવાની માંગ સાથે રાજ્યવ્યાપી વિરોધને વાપી બાર ઍસોસિઍશને સમર્થન જાહેર કર્યું છે. વલસાડ જિલ્લાના તથા તાલુકા કક્ષાના અન્ય બાર ઍસોસિઍશનો દ્વારા આ કાયદાના વિરોધમાં કોઈપણ લડતનું આહ્વાન કરવામાં આવે તો વાપી બાર ઍસોસિઍશન દ્વારા સંપૂર્ણ સાથ અને સહકાર આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.
બાર ઍસોસિઍશને કોર્ટને વિનંતી કરી છે કે, વકીલો અને પક્ષકારોની ગેરહાજરી દરમિયાન કોઈ કાર્યવાહી ઍકતરફી રીતે હાથ ધરવામાં ન આવે તેમજ ગેરહાજરી બદલ વોરંટ કે નોટિસ જારી ન કરવામાં આવે. કેસમાં પક્ષકારો અથવા વકીલોને કોઈ નુકસાન ન થાય તે માટે સંબંધિત કાર્યવાહી જે તે તબક્કે જ રાખવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.