દેગામની મુક-બધિર શાળામાં ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો
- byDamanganga Times
- 01 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩૦ ઃ જાયન્ટસ ગૃપ અોફ વાપી દ્વારા પ્રમુખ રિતેશભાઈ રાવલ અને ખ્યાતિ રાવલ ની આગેવાનીમાં વાપી નજીક દેગામ ખાતે આવેલી મૂક-બધિર તથા બૌદ્ધિક દિવ્યાંગ બાળકોની શાળામાં સેવાભાવી પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આશરે ૧૩૦ વિદ્યાર્થીઓ તથા ૨૦ શિક્ષકો જોડાયા હતા.
આ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે મફત ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.
દંતચિકિત્સક ડો. અમ્બ્રિશ મણિયારે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોના દાંતની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જાયન્ટસ ગૃપ અોફ વાપી દ્વારા વિદ્યાર્થીઓ માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે જા. ખ્યાતિ રાવલ દ્વારા બાળકોને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સેવાભાવી પ્રોજેક્ટમાં જાયન્ટસ ગ્પ અોફ વાપી અને સિનિયર જા. હિતેન ભટ્ટ, જા. ચારુશીલાબેન અને જા. ખલીલ નુરાની સહિતના સભ્યો ઉપસ્થિત રહ્ના હતા.
ડો. અમ્બ્રિશ મણિયાર દ્વારા કરવામાં આવેલી સેવાભાવી કામગીરી બદલ જાયન્ટસ ગૃપ અોફ વાપી દ્વારા તેમને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમજ ઉપસ્થિત શિક્ષકોનું ગુલાબ તથા રોઝ બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જા. હિતેન ભટ્ટ દ્વારા સુંદર ગીતોની રજૂઆત કરવામાં આવતા દિવ્યાંગ બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
ગીતોની રજૂઆત દ્વારા બાળકોનું મનોરંજન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સહજ યોગ, કુંડલિની જાગરણ અને ધ્યાન અંગે પણ બાળકોને સરળ રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સહયોગી ધર્મેશ પટેલે બાળકોને ધ્યાન અને યોગ અંગે ઉપયોગી માહિતી આપી હતી.
સમગ્ર સેવાભાવી પ્રોજેક્ટ જા. રિતેશ રાવલ - પ્રેસિડેન્ટ, જા. ખ્યાતિ રાવલ- ડી.ઍ.ના માર્ગદર્શન હેઠળ જાયન્ટસ ગૃપ અોફ વાપી દ્વારા યોજાયો હતો.
