સોમનાથ તળાવ ફરતે બ્યુટીફિકેશનની લાઇટો શોભાના ગાંઠિયા સમાન
- byDamanganga Times
- 01 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૩૦ ઃ બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક સોમનાથ તળાવના બ્યુટીફિકેશન અંતર્ગત લાખો રૂપિયાના ખર્ચે મૂકવામાં આવેલી આકર્ષક લાઇટો છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી સ્થાનિક રહીશોમાં ઉગ્ર રોષ ભભૂકી ઊઠ્યો છે. રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની અંદાજે રૂ. ૮૦ લાખની ગ્રાન્ટ હેઠળ તળાવ ફરતે લાઇટિંગ સહિતનું બ્યુટીફિકેશન સુરતની શ્રી સોમનાથ ડેવલપર્સ ઍજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું.
જોકે, કામગીરી પૂર્ણ થયા બાદ તળાવ ફરતેની મોટાભાગની લાઇટો બંધ થઈ જતાં દેસરા વિસ્તાર તેમજ આસપાસની સોસાયટીના રહીશોને અંધારાનો સામનો કરવો પડી રહ્ના છે. આ મામલે પાલિકાના વિપક્ષી સભ્ય મલંગ કોલિયા દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જેના પ્રત્યુત્તરમાં પાલિકા ચીફ ઓફિસરે ૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના પત્ર દ્વારા ઇજારદાર મારફતે વાયરિંગનું સમારકામ શરૂ કરી દેવાયું હોવાની ખાતરી આપી હતી.
બીલીમોરા નગરપાલિકાની લેખિત ખાતરી છતાં આજદિન સુધી ઍક મહિના જેટલો સમય વીતી જવા છતાં તળાવ ફરતે લાઇટો ચાલુ કરવામાં આવી નથી, જેના કારણે પાલિકા તંત્ર અને ઇજારદારની મીલીભગત સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ખુદ નગરપાલિકાની કચેરી પાછળ જ આવેલું આ તળાવ અંધારપટમાં ગરકાવ હોવા છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી માત્ર કાગળ પર નોટિસો ફટકારીને સંતોષ માની રહ્ના હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે.
શું પાલિકામાં અધિકારીઓનું નહીં પણ ઇજારદારનું રાજ ચાલે છે? તેવા આકરા સવાલો સાથે વિપક્ષી સભ્ય મલંગ કોલિયાઍ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર તાત્કાલિક પ્રજાના હિતમાં લાઈટો શરૂ નહીં કરાવે તો આગામી ૨જી ઓક્ટોબર,ગાંધી જયંતિના રોજ સાંજે ૮ કલાકે તળાવ કિનારે વિરોધ પ્રદર્શનનો જલદ કાર્યક્રમ યોજવામાં આવશે, જેની તમામ જવાબદારી પાલિકા વહીવટીતંત્રની રહેશે.
