વાપીની અનેક કંપનીઓના કર્મચારીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા
- byDamanganga Times
- 01 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩૦ ઃ વાપીમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે છેલ્લા બે દિવસથી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને વાપી જીઆઈડીસીમાં આવેલી જાણીતી કંપનીઓ દ્વારા સંયુક્ત રીતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કંપનીઓના મુખ્ય અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા ‘સેવા, મેરા યોગદાન’ અંતર્ગત સવારે ૯ઃ૩૦ કલાકથી શરૂ કરી અને બપોરે ૧ કલાક સુધી કરવામાં આવી હતી. આ કામગીરીમાં કંપનીઓના કર્મચારીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને જીઆઈડીસી જેટાઈપ તેમજ મુકિતધામથી યુપીઍલ કંપની સુધી અને ઍપીઍમસી માર્કેટ સુધીનો માર્ગ ચોખ્ખો કરાયો હતો. તેવી જ રીતે આજે સતત બીજા દિવસે જીઆઈડીસી ચાર રસ્તાથી પેપીલોન હોટલ ગુંજન સુધી અને પેપીલોન હોટલથી બલીઠા બ્રિજ સુધીનો નેશનલ હાઇવેની બંને બાજુઍ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. અભિયાન અંર્તત નેશનલ હાઈવે-૪૮ પર યુપીઍલ કંપની નેશનલ હાઈવે ઓવરબ્રિજ ચાર રસ્તાથી જીઆઈડીસી ચાર રસ્તા સુધીના વિસ્તારમાં કંપનીઓ દ્વારા સફાઈ કરવામાં આવી હતી. જ્યારે દમણગંગા નદીના મુક્તિધામથી યુપીઍલ કંપની હાઇવે ઓવરબ્રિજ ચાર રસ્તા થઈ ઍપીઍમસી માર્કેટ સુધીના હાઈવે સર્વિસ રોડની સફાઈમાં ૧૮ જેટલી કંપનીઓ જોડાઈ હતી અને કંપનીની બહાર તેમજ રસ્તાની આજુબાજુમાં રહેલા કચરાને સાફ કરી મોટી માત્રામાં આ ધન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે આજે વાપી જીઆઇડીસી ચાર રસ્તાથી બલીઠા બ્રિજ સુધીના નેશનલ હાઈવે નં. ૪૮ના બંને તરફનો માર્ગ પરથી સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું. જેમાં મોટી માત્રામાં કચરો ઉપાડી લેવાયો હતો અને હાઈવેની આજુબાજુમાં આવેલા રહેણાંક વિસ્તાર તેમજ શોપીંગ સેન્ટરના દુકાનદારોને સ્વચ્છતા રાખવા માટેની જાણકારી આપી હતી. તેમજ પ્લાસ્ટીક ભીનો અને સુકો કચરો પણ અલગથી રાખી કચરો ઉપાડનાર આવનારી ગાડીને આપવા જણાવ્યું હતું. આ અંગે સ્થાનિક લોકો તેમજ દુકાનદારોઍ પણ સરકારની આ કામગીરીમાં સહયોગ આપવાની બાહેધરી આપી હતી. સફાઈ અભિયાન દરમિયાન ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના મુખ્ય અધિકારી ઍ.જી. પટેલ, ડેપ્યુટી મુખ્ય અધિકારી ઇન્દ્રવદન પટેલ સહિત જુનિયર અધિકારીઓ અને સ્ટાફના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહી સફાઈ કામગીરીમાં જોડાયા હતાં.
સંયુક્ત સફાઈ અભિયાન થકી ઔદ્યોગિક વિસ્તાર તેમજ હાઈવે આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવા અને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
