Damanganga Times.

Damanganga Times.

October 01, 2026

પારડીસાંઢપોરની પ્રા. શાળામાં શિક્ષિકાઍ ડઝનબંધ વિદ્યાર્થીઅોને ફટકારતાં ચકચાર મચી

પારડીસાંઢપોરની પ્રા. શાળામાં શિક્ષિકાઍ ડઝનબંધ વિદ્યાર્થીઅોને ફટકારતાં ચકચાર મચી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૩૦ ઃ વલસાડના કૈલાશ રોડ પર આવેલી પારડીસાંઢપોર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ સાથે અમાનવીય કહેવાય તેવા વર્તનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 

શાળામાં ફરજ બજાવતી ભારતી નામની શિક્ષિકાઍ ૧૫થી વધુ માસૂમ બાળકોને ઢોર માર મારતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. મારપીટ ઍટલી ગંભીર હતી કે બેથી ત્રણ વિદ્યાર્થીઓની તબિયત લથડતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.

ઘટનાની જાણ વાયુવેગે ફેલાતાં વાલીઓ, સ્થાનિક સરપંચ અને ગ્રામજનો શાળા પરિસરમાં દોડી આવ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

સ્થિતિ વણસતાં વાલીઓઍ પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રોષે ભરાયેલા વાલીઓના હોબાળા વચ્ચે પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી આરોપી શિક્ષિકાને પોલીસ મથકે લઈ જઈ વધુ પૂછપરછ હાથ ધરી છે.

બીજી તરફ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ પણ દોડતું થયું છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ શાળાઍ પહોંચ્યા હતા અને અન્ય ભોગ બનેલા વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગની કચેરી ખાતે લઈ જઈ તેમના નિવેદનો નોંધવાની તજવીજ શરૂ કરી છે. 

નિર્ભયસિંઘ નામના વાલીઍ જણાવ્યું કે  અમારા બાળકો ભણવા જાય છે કે માર ખાવા? ૧૫ જેટલા બાળકોને કોઈ કારણ વગર નિર્દયતાથી મારવામાં આવ્યા છે. મારા બાળક સહિત બે-ત્રણ બાળકોને હોસ્પિટલ દાખલ કરવા પડ્યા છે. 

આવી શિક્ષિકા સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી થવી જ જોઈઍ. જ્યારે બીજા વાલી   સીમા શર્મા ઍ જણાવ્યું કે શાળામાં બાળકો સુરક્ષિત નથી રહી શકતા તો અમે ક્યાં જઈઍ. 

શિક્ષિકાઍ હદ વટાવી દીધી છે. બાળકો અત્યારે ખૂબ જ ડરેલા છે. અમે જ્યાં સુધી આ શિક્ષિકા વિરુદ્ધ કડક પગલાં નહીં લેવાય ત્યાં સુધી ચૂપ નહીં બેસીઍ.

 પારડી સાંઢપોર ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેશ ઉર્ફે ભોલાભાઈ પટેલે જણાવ્યું કે ગામની પ્રાથમિક શાળામાં બનેલી આ ઘટના અત્યંત નિંદનીય અને શરમજનક છે.કોઈ પણ સંજોગોમાં બાળકો પર આવી ક્રૂરતા સાંખી ન શકાય. શિક્ષણ વિભાગ અને પોલીસ પ્રશાસનને આ મામલે તુરંત તપાસ કરી શિક્ષિકા સામે દાખલારૂપ પગલાં લેવા માંગ કરી છે.