Damanganga Times.

Damanganga Times.

September 30, 2026

વલસાડમાં ઉધારીની ના પાડતાં ચારનો વેપારી પરિવાર પર હુમલો

વલસાડમાં ઉધારીની ના પાડતાં ચારનો વેપારી પરિવાર પર હુમલો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

 વલસાડ, તા ૨૯  ઃ વલસાડના કોસંબા રોડ પર આવેલી કરિયાણાની દુકાને ઉધાર સામાન લેવા બાબતે થયેલી તકરારમાં ચાર જેટલા શખ્સોઍ વેપારી પરિવાર પર હુમલો કરી પથ્થર અને ઢીકા-પાટુનો ઢોર માર માર્યાની ફરિયાદ વલસાડ પોલીસ મથકે નોંધાઈ છે. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા પરિવારના સભ્યોને ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

વલસાડના કોસંબા દેસાઈવાડમાં  રહેતા અને યોગીનગર, ભાગડાવડા વિસ્તારમાં ‘માતેશ્વરી કિરાણા સ્ટોર’ ચલાવતા કમલેશ લહેરુલાલ માલીના મોટાભાઈ હિતેશ ઉર્ફે હિરાલાલ ગત રાત્રે દુકાન પર હાજર હતા. આ દરમિયાન સાગર સુભાષભાઈ ગુર્જર રહે. મોરાભાગડા, રામનગરી અને પંકજ શિવનારાયણ સૂર્યવંશી રહે. ગુંદલાવ ધારાનગર મોટરસાયકલ લઈને દુકાને પહોંચ્યા હતા અને ઉધાર સામાન માંગ્યો હતો. હિતેશે ઉધાર આપવાની ના પાડતાં બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરી હિતેશભાઈ તેમજ ત્યાં હાજર તેમના સાળા સુખદેવ સાથે ઝઘડો કરી મારપીટ શરૂ કરી દીધી હતી. ?ઝઘડા દરમિયાન હિતેશભાઈઍ ફોન કરી જાણ કરતાં કમલેશભાઈ, તેમના પિતા લહેરુલાલ, માતા કેલાસીદેવી, પત્ની ભાવનાબેન અને ભાભી લક્ષ્મીબેન દુકાને દોડી આવ્યા હતા. તે દરમિયાન રિક્ષામાં અન્ય બે સાગરીતો કરન હરચંદ જાદવ રહે. ગુંદલાવ ધમડાચી અને કિરણ હિંમત ડીંડો રહે. ઉમરસાદી માછીવાડ, પારડી પણ ત્યાં ધસી આવ્યા હતા. 

?આ ચારેય શખ્સોઍ ભેગા મળી પરિવાર પર હુમલો કર્યો હતો. જેમાં સુખદેવના માથામાં પથ્થર મારી દેતાં લોહીલુહાણ થઈ ગયા હતા, જ્યારે પિતા લહેરુલાલને પેટના ભાગે પથ્થર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત લક્ષ્મીબેન, હિતેશભાઈ અને કમલેશભાઈને પણ ઢીક મુક્કી નો  માર મારી રસ્તા પર ઢસડી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. ?બનાવને પગલે આસપાસના સ્થાનિક લોકો ઍકઠા થઈ જતાં ચારેય આરોપીઓ  જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી બાઇક લઈને તેમજ પોતાની રિક્ષા સ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યા હતા. 

?ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કમલેશ માલીની ફરિયાદના આધારે વલસાડ પોલીસે સાગર ગુર્જર, પંકજ સૂર્યવંશી, કરન જાદવ અને કિરણ ડીંડો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.