છરવાડામાં પતિઍ જાહેરમાં પત્નીનું ગળું રહેંસી નાંખતાં પત્નીનું ઘટનાસ્થળે જ કરપીણ મોત
- byDamanganga Times
- 30 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૯ ઃ વાપીના છરવાડા વિસ્તારમાં આવેલી સાઈ સંસ્કાર રેસીડેન્સી ઍપાર્ટમેન્ટમાં મંગળવારે સાંજે દંપતી વચ્ચેનો વર્ષો જૂનો ઝઘડો લોહિયાળ અંજામમાં પરિણમ્યો હતો. પતિઍ જાહેરમાં પત્નીનું ધારદાર ચપ્પુ વડે ગળું રહેંસી નાખી નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ ભાવનગરના અને હાલ છરવાડા સાઈ સંસ્કાર રેસીડેન્સીમાં ઍક સંતાન સાથે રહેતા પરેશ કંતારિયા (ઉં. ૪૨) અને તેની પત્ની સીમા કંતારિયા (ઉં. ૩૫) વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી કોઈ કારણસર ઝઘડો અને વિખવાદ ચાલતો હતો. સીમા રોઝ ગોલ્ડ નામનું બ્યુટી પાર્લર પણ ચલાવતી હતી. અગાઉ પણ બંને વચ્ચેના ઝઘડામાં પતિ પરેશ કંતારિયા સામે હત્યાના -યાસનો ગુનો નોંધાયેલો હતો, જેમાં તે કેટલાક સમયથી જેલમાં હતો અને ૧૫ દિવસ પહેલા જ જેલમાંથી છૂટી બહાર આવ્યો હોવાનું જાણવા મળે છે.
જેલમાંથી છૂટ્યા બાદ આજે ફરી પત્ની સીમા સાથે ઝઘડો થતા ઉશ્કેરાઈ ગયેલા પતિ પરેશે સાંજે ૪ વાગ્યાના સુમારે ઍપાર્ટમેન્ટ નીચે પેસેજમાં જાહેરમાં પત્ની સીમાનું ધારદાર ચપ્પુ વડે ગળું રહેંસી નાખ્યું હતું. લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડેલી સીમાનું પળવારમાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
ઘટનાને પગલે સમગ્ર ઍપાર્ટમેન્ટમાં ભારે ચકચાર ફેલાઈ જવા સાથે દોડધામ મચી ગઈ હતી. કોઈઍ ઘટનાની જાણ પોલીસને કરતા ડુંગરા પીઆઈ બી.ઍન. ગોહિલ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે આરોપી પતિ પરેશ કંતારિયાને અટકમાં લઈ ઍફઍસઍલની ટીમને બોલાવી પંચનામું કરી લાશને પીઍમ માટે રવાના કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
