Damanganga Times.

Damanganga Times.

September 29, 2026

ધોલાઈ બંદરે સરકારી જમીન પરના ૧૮ દબાણો દુર કરાયા

ધોલાઈ બંદરે સરકારી જમીન પરના ૧૮ દબાણો દુર કરાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૨૮ ઃ બીલીમોરા નજીકના કાંઠા વિસ્તારમાં ઘોલાઈ બંદરે સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર દબાણો સામે સોમવારે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૨ હજાર ચોરસ મીટર જેટલી સરકારી જમીન પરથી ૧૮ નાની-મોટી દુકાનો, પતરાના શેડ, ગેરેજ, કેબિન સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ઘોલાઈ બંદરે સરકારી હેડે ચાલતી જમીનમાં દુકાનો, બાંધકામો અને શેડ સહિતના અનધિકૃત દબાણો અંગે તંત્રને ફરિયાદો મળતાં તા.૨૪ સપ્ટેમ્બરના રોજ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, દબાણ કરનારાઓ દ્વારા પોતાનો સામાન અન્યત્ર ખસેડવા માટે સમયની માંગ કરવામાં આવતાં તંત્ર દ્વારા તા. ૨૭ સપ્ટેમ્બર સુધીની મુદત આપવામાં આવી હતી. મુદત પૂર્ણ થયા બાદ તા. ૨૮ સપ્ટેમ્બરના રોજ નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચીખલીના પ્રાંત અધિકારી નિશાંત કુગસીયા, ગણદેવીના મામલતદાર દિપીકા રોઝ, બીલીમોરાના સર્કલ ઓફિસર વનરાજસિંહ સોલંકી, ગણદેવીના સર્કલ ઓફિસર જીગરભાઈ જોષી, બીગરીના મહેસૂલી તલાટી અરવિંદભાઈ રબારી, ધોલાઈના તલાટી-કમ-મંત્રી પ્રદીપ પટેલ સહિત મહેસૂલ તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, વીજ વિભાગના કર્મચારીઓ તથા સંબંધિત અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી હતી. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ ચલાવી લેવામાં આવશે નહીં. સરકારી મિલકતનું રક્ષણ તેમજ દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં પણ આવી દબાણવિરોધી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.