Damanganga Times.

Damanganga Times.

September 29, 2026

વાપી દમણગંગા નદીમાં ખંડિત ગણેશ પ્રતિમાઓ ફરી ડોકાઈ

વાપી દમણગંગા નદીમાં ખંડિત ગણેશ પ્રતિમાઓ ફરી ડોકાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ ગણેશોત્સવની ભક્તિ અને આનંદ બાદ વાપીમાં દમણગંગા નદીનું જળસ્તર ઘટતાં ચિંતાજનક દૃશ્ય સામે આવતા નદીના પાણીમાં વિસર્જન કરવામાં આવેલી શ્રીજીની પી.ઓ.પી.ની ૨૦૦થી વધુ જર્જરિત અને ખંડિત બનેલી શ્રીજી ની પ્રતિમાઓ નદીમાં અને નદી કિનારે દેખાવા લાગી હતી.
આ અંગે વાપી જીઆઈડીસી નોટીફાઇડ ઍરિયાની ફાયર ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી નદીમાંથી બહાર આવેલી પ્રતિમાઓનું ફરીથી નદીના ઊંડા પાણીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
જોકે, આ ઘટના માત્ર વિસર્જન બાદ પ્રતિમાઓ ફરી બહાર આવવાની બાબત પૂરતી સીમિત નથી, પરંતુ ધાર્મિક શ્રદ્ધા સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અંગે પણ સવાલો ઊભા કરે છે. પી.ઓ.પી.માંથી બનાવવામાં આવેલી મૂર્તિઓ પાણીમાં સરળતાથી ઓગળતી ન હોવાથી નદીમાં લાંબા સમય સુધી તેનો કચરો રહે છે. ઉપરાંત, મૂર્તિઓમાં વપરાતા રાસાયણિક રંગો તથા અન્ય સામગ્રી જળની ગુણવત્તા અને જળચર જીવો માટે નુકસાનકારક બની શકે છે.
ભગવાન ગણેશને વિઘ્નહર્તા અને બુદ્ધિના દેવતા માનવામાં આવે છે
 ત્યારે તેમની વિદાય પણ પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તે રીતે થાય તે જરૂરી છે. આગામી ગણેશોત્સવમાં નાની અને કુદરતી માટીની મૂર્તિઓનો ઉપયોગ તેમજ કુદરતી રંગો અને પર્યાવરણને અનુકૂળ વિસર્જન પદ્ધતિ અપનાવવા અંગે જાગૃતિ લાવવાની જરૂરિયાત છે.