Damanganga Times.

Damanganga Times.

September 26, 2026

નવસારીમાં ગેરરીતિ કરનાર બે સસ્તા અનાજની દુકાનના પરવાના કાયમી રદ્દ

નવસારીમાં ગેરરીતિ કરનાર બે સસ્તા અનાજની દુકાનના પરવાના કાયમી રદ્દ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૨૫ ઃ નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ચાલતી વાજબી ભાવની દુકાનોમાં સઘન આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી. અગ્રતા ધરાવતા કુટુંબોને વિતરણ કરવામાં આવતા અનાજના જથ્થા સંદર્ભે મળેલી ફરિયાદો અને આકસ્મિક ચકાસણી દરમિયાન ગંભીર ક્ષતિઓ તથા ગેરરીતિઓ પકડાઈ હતી. આ ગેરરીતિઓને પગલે પુરવઠા વિભાગે કડક વલણ અપનાવી બે સંચાલકોના પરવાના કાયમી ધોરણે રદ કરી દીધા છે, જ્યારે અન્ય ઍક સંચાલક સામે શિક્ષાત્મક પગલાં ભરતાં ત્રણેય મળી કુલ રૂ. ૧૨.૮૩ લાખથી વધુનો તોતિંગ દંડ ફટકાર્યો છે.
વિગતો મુજબ વાંસદા તાલુકાના હનુમાનબારી ખાતે કૌશલકુમાર વી. દેસાઈની દુકાનમાં અનાજના જથ્થામાં મોટી ઘટ જણાતાં રૂ. ૫,૪૮,૮૫૨નો દંડ ફટકારી લાયસન્સ કાયમી રદ કરાયું હતું. આ ઉપરાંત નવસારી શહેરના ઉદ્યોગનગર સ્થિત દિપીકા ઍસ. લધ્ધડની દુકાનમાં પણ જથ્થામાં વધ-ઘટ માલૂમ પડતાં રૂ. ૫,૨૨,૭૪૦ના દંડ સાથે કાયમી ધોરણે પરવાનો રદ કરવામાં આવ્યો છે. જ્યારે નવસારી ગ્રામ્યના સિસોદ્રા (ગણેશ) ખાતે આશિષકુમાર બી. કાપડિયા સંચાલિત હંગામી દુકાનમાં અનાજની ઘટ સામે રૂ. ૨,૧૧,૯૬૦નો દંડ વસૂલ કરાયો છે. જિલ્લામાં નિયમોનું ઉલ્લંઘન કરનારા અન્ય વેપારીઓ સામે પણ આગામી દિવસોમાં આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી તંત્ર દ્વારા ચીમકી અપાઈ છે.