Damanganga Times.

Damanganga Times.

September 26, 2026

વાપીમાં ભકિતપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન

વાપીમાં ભકિતપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૫ ઃ વાપી અને વાપી જીઆઇડીસી વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી ભક્તિભાવપૂર્વક સ્થાપિત કરવામાં આવેલા શ્રીજીની પ્રતિમાઓનું આજે અનંત ચતુર્દશીના પાવન દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું. વાપી જીઆઇડીસીના દમણગંગા નદી ઉપર આવેલા વિયર ડેમ, મુક્તિધામ નજીક બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવ તેમજ દમણગંગા નદીમાં ગણેશ વિસર્જન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
ગણેશોત્સવ દરમિયાન વિવિધ મંડળો દ્વારા દસ દિવસ સુધી ગણેશજીની સ્થાપના કરી પૂજા-અર્ચના સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા બાદ આજે ભક્તિભાવ અને ઉત્સાહભેર બાપ્પાને વિદાય આપવામાં આવી હતી. સાંજે ૭ઃ૩૦ કલાક સુધીમાં ૭૦થી વધુ ગણેશ પ્રતિમાનું કૃત્રિમ તળાવ અને દમણગંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્વયંસેવકો સાથે ફાયર બ્રિગેડના જવાનો, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કર્મચારીઓ તથા પોલીસ વિભાગની ટીમો પણ ઉપસ્થિત રહી હતી.  ગણેશ વિસર્જન દરમિયાન દમણગંગા નદી કિનારે ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.
ભક્તોઍ ડીજેના તાલે નાચી-ગાઈને, ગુલાલની છોળો ઉડાડીને તેમજ ફટાકડા ફોડી બાપ્પાને વિદાય આપી હતી. સમગ્ર વિસ્તારમાં ‘ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે વહેલા આવજો’ના નાદ ગૂંજી ઉઠ્યા હતા. દસ દિવસ સુધી ભક્તોના ઘરે અને વિવિધ ગણેશ મંડળોમાં પૂજાયેલા ગણપતિ બાપ્પાને ભાવભીની વિદાય આપતી વેળાઍ શ્રદ્ધાળુઓમાં ભક્તિ સાથે ભાવુકતા પણ જોવા મળી હતી.