Damanganga Times.

Damanganga Times.

September 26, 2026

વલસાડમાં ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના નારા સાથે વિઘ્નહર્તાને વિદાય

વલસાડમાં ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના નારા સાથે વિઘ્નહર્તાને વિદાય


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૫ ઃ વલસાડ શહેર અને આસપાસના સમગ્ર ગ્રામ્ય પંથકમાં છેલ્લા દસ દિવસથી ચાલી રહેલા ગણેશોત્સવની આજે ભાવસભર માહોલમાં પૂર્ણાહુતિ થઈ હતી. દસ દિવસ સુધી બાપ્પાની નિત્ય સવાર-સાંજ આરતી, થાળ, પ્રસાદ અને રાત્રિના સમયે ભજન-કીર્તન તથા ગરબાની રમઝટ સાથે ભક્તિમાં લીન બનેલા ભક્તોઍ આજે  અનંત ચૌદસના   અંતિમ દિવસે ગણેશજીને અશ્રુભીની આંખે વિદાય આપી હતી.
આજરોજ બપોર બાદ વલસાડ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી ડી.જે., ઢોલ-નગારાના તાલ અને ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના ગગનભેદી નારા સાથે ભવ્ય વિસર્જન યાત્રાઓ પ્રસ્થાન થઈ હતી. અબીલ-ગુલાલની છોળો અને ભક્તોના ઉમંગ વચ્ચે નીકળેલી આ યાત્રા નિર્ધારિત રૂટ પરથી પસાર થઈ ઔરંગા તેમજ વાંકી નદી કિનારે પહોંચી હતી. શહેરના વિવિધ મોટા ગણેશ મંડળો દ્વારા સ્થાપિત કરાયેલી કદાવર અને આકર્ષક પ્રતિમાઓને સુરક્ષાના તમામ નિયમો સાથે હાઇડ્રોલિક ક્રેનની મદદથી ઊંચકીને વહેતા પાણીમાં શ્રદ્ધાપૂર્વક વિસર્જિત કરવામાં આવી હતી. વિસર્જન પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વલસાડ જિલ્લા પોલીસ વડા  યુવરાજસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.  સમગ્ર રૂટ તેમજ નદી કાંઠાના વિસ્તારોમાંથી મોટી સંખ્યા માં મૂર્તિ વિસર્જન માટે નીકળતા વલસાડ  ડી.વાય.ઍસ.પી,ઍલ. સી. બી. ઍસ. ઓ. જી.ની ટીમ,  વિજ કંપની ની ટીમ સીપીઆઈ, પીઆઈ, પીઍસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કોન્સ્ટેબલો, મહિલા પોલીસ કર્મીઓ, ટીઆરબી  અને હોમગાર્ડના જવાનો ખડેપગે તહેનાત રહ્ના હતા. આ ઉપરાંત મેડિકલ ટીમ, નગરપાલિકા અને ફાયર બ્રિગેડની ટીમોઍ નદી કિનારે સતત ચાંપતી નજર રાખી સેવાઓ આપી હતી. વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસનની સુચારુ વ્યવસ્થાને પગલે સમગ્ર વિસર્જન પર્વ શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયું હતું.