વલસાડના ‘ડાંગ દરબાર’ ગણેશોત્સવમાં શિવ-પાર્વતી સ્વરૂપની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર
- byDamanganga Times
- 23 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૨ ઃ શહેરના બેચર રોડ પર આવેલા સુપ્રસિદ્ધ ‘ડાંગ દરબાર’ ખાતે આ વર્ષે પણ ગણેશોત્સવ અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહ્ના છે. ગયા વર્ષે સ્થાપિત રાધા-કૃષ્ણ સ્વરૂપની મૂર્તિઍ શ્રદ્ધાળુઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું, ત્યારે આ વર્ષે ગણેશ મહોત્સવ નિમિત્તે ભગવાન શિવ અને માતા પાર્વતીના અલૌકિક સ્વરૂપ સાથે બિરાજમાન શ્રીજીની પ્રતિમા ભક્તો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની છે. ઉત્સવ દરમિયાન બાપા સમક્ષ ૫૧ કિલોની વિશાળ કેક કાપવામાં આવી હતી અને ત્યારબાદ ઉપસ્થિત તમામ ભક્તોમાં પ્રસાદી રૂપે તેનું વિતરણ કરાયું હતું. બાપાના આ અનોખા દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવા માટે આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્ના છે.
આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સમગ્ર ડાંગ પરિવાર દ્વારા રાત-દિવસ સતત જહેમત ઉઠાવવામાં આવી રહી છે. મંડળના સભ્યોની ઉત્સાહભરી સેવા અને શિસ્તબદ્ધ વ્યવસ્થાને કારણે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાયો છે. દર્શનાર્થે આવતા ભાવિકો માટે દર્શન અને પૂજા-અર્ચનાની સુચારુ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
