ઠક્કરવાડામાં દીપડાઍ વાછડાનું મારણ કર્યુ
- byDamanganga Times
- 23 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૨ ઃ વલસાડના ઠક્કરવાડા ગામે દીપડાઍ ગૌ-વંશનું મારણ કરતાં ભયનો માહોલ છવાયો છે. વસ્તી ધરાવતા વિસ્તારમાં દીપડાની હાજરીથી સ્થાનિક રહીશો અને પશુપાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. બનાવની જાણ થતાં જ વન વિભાગની ટીમે તાબડતોબ ઘટના સ્થળે પહોંચી દીપડાને પાંજરે પૂરવા માટે તજવીજ હાથ ધરી છે. વલસાડ તાલુકાના ઠક્કરવાડા ગામના નાનું ફળિયામાં રાત્રિના દરમ્યાન અચાનક દીપડો ચઢી આવ્યો હતો અને તેણે ત્યાં બાંધેલા ઍક ગૌ-વંશ પર તરાપ મારી મોતને ઘાટ ઉતાર્યું હતું. સવારે જ્યારે પશુપાલક અને ગ્રામજનોને આ અંગે જાણ થઈ ત્યારે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પશુના મારણના પગલે ગામમાં દીપડાની સક્રિયતા હોવાની વાત વાયુવેગે પ્રસરતાં લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. જંગલ ખાતાઍ દિપડાને પકડવા પાંજરુ ગોઠવ્યું છે.
