ઉદવાડાની શેઠ પી.પી. મિસ્ત્રી ઈગ્લીશ સ્કુલમાં ગણેશ મહોત્સવની ઉજવણી
- byDamanganga Times
- 23 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૨ ઃ વિદ્યાર્થીઓ-શિક્ષકો દ્વારા આકર્ષક સજાવટ, સાંસ્કૃતિક નૃત્યો સાથે ડીજેના તાલે વિસર્જન યાત્રા નીકળી હતી શ્રેષ્ઠ શૈક્ષણિક પરિણામોની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ માટે પ્રખ્યાત પારડી તાલુકાના ઉદવાડાગામની શેઠ પી. પી. મિસ્ત્રી ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ દ્વારા બાળકોમાં સંસ્કાર, શ્રદ્ધા અને ભારતીય પરંપરાનું સિંચન થાય તે હેતુથી પ્રથમવાર ભવ્ય ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે ગણેશજીનું આગમન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગણેશ ચતુર્થીના દિને વિધિવત્ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. આ ગણેશ ઉત્સવ દરમિયાન શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, ટ્રસ્ટી મંડળના સભ્યો, વાલીઓ તેમજ ઉદવાડા ગામ અને આસપાસના વિસ્તારના લોકોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌઍ ગણેશજીની આરતી તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો. સોમવારની રાત્રે ભક્તિભાવપૂર્વક જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જાગરણ દરમિયાન શેઠ પી. પી. મિસ્ત્રી હાઈસ્કૂલ છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા, જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્ના હતા. જે બાદ મંગળવારના રોજ બપોરે ગણેશજીની વિસર્જન યાત્રા વાજતે-ગાજતે તથા ડી.જે.ના તાલ સાથે નીકળી હતી. વિસર્જન દરમિયાન પણ છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. ગણેશ ઉત્સવને અનુરૂપ શાળા પરિસરમાં આકર્ષક સજાવટ કરવામાં આવી હતી.
શાળામાં પ્રથમવાર યોજાયેલા આ ઐતિહાસિક ગણેશ ઉત્સવના સફળ આયોજન બદલ શાળા સંચાલક મંડળના પ્રમુખ ખુરશેદ કેકોબાદ દસ્તુર વડા દસ્તુરજી, ચેરમેન બળવંતરાય પી. પટેલ, ડો. મિનુભાઈ પરબીયા, સેક્રેટરી નરેન્દ્રભાઈ જરીવાલા, અજયભાઈ વસાણી, ઇંગ્લીશ મીડીયમની આચાર્યા ધરાબેન પટેલ તથા હાઈસ્કૂલની આચાર્યા મનીષાબેન બ્રહ્મભટ્ટને સૌ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
