દૂધનીમાં ‘નશામુક્ત યુવા, વિકસિત ભારત’ સંકલ્પ સમારોહ યોજાયો
- byDamanganga Times
- 22 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૨૧ ઃ દૂધની સ્થિત વિદ્યાર્થી છાત્રાલય ખાતે મેરા યુવા ભારત, સેલવાસ દ્વારા ‘નશામુક્ત યુવા, વિકસિત ભારત રાષ્ટ્રીય સંકલ્પ સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. વિકસિત ભારતના નિર્માણમાં સ્વસ્થ, સશક્ત અને જાગૃત યુવા શક્તિની ભૂમિકાને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત યુવાનો અને સહભાગીઓઍ નશાથી દૂર રહેવા તેમજ નશામુક્ત ભારતના નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો. યુવાનોને નશાના દૂષ્પ્રભાવોથી માહિતગાર કરી સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નુક્કડ નાટક દ્વારા નશામુક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો. નાટકના માધ્યમથી નશાના કારણે થતા શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન અંગે યુવાનોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ ઉપરાંત ‘નશામુક્ત યુવા, વિકસિત ભારત’ વિષય પર નારા લેખન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોઍ ઉત્સાહપૂર્વક ભાગ લઈ નશામુક્ત ભારત અંગે પોતાના વિચારો સર્જનાત્મક નારા દ્વારા રજૂ કર્યા હતા.
૧૦૦ સાહના સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં નશામુક્તિ અંગે જાગૃતિ વધારવાનો અને સ્વસ્થ, સશક્ત તથા નશામુક્ત ભારતના નિર્માણ માટે સામૂહિક સંકલ્પને જન-જન સુધી પહોંચાડવાનો રહ્ના હતો.
