બીલીમોરામાં ગેરકાયદે હથિયારો સાથે ઍક ઝડપાયો, અન્ય ઍક વોન્ટેડ
- byDamanganga Times
- 22 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૨૧ ઃ બીલીમોરા પંથકમાં ગેરકાયદે હથિયારો સાથે ફરતા અસામાજિક તત્વો સામે બીલીમોરા પોલીસે કાર્યવાહી હાથ ધરી ઍક યુવાનને દેશી બનાવટની પિસ્તલ અને રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો છે. જ્યારે હથિયારો સંતાડવા માટે આપનાર અન્ય ઍક શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.
બીલીમોરા પોલીસની ટીમ સોમવારે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ખાનગી બાતમીદાર મારફતે ચોક્કસ બાતમી મળી હતી કે, ગેરકાયદે હથિયારો સાથે ઍક શખ્સ ફરી રહ્ના છે. બાતમીના આધારે પોલીસે ગણદેવી કાંઠા વિસ્તારમાં ભાઠા ગામના ઘોડા ફળીયામાં દરોડો પાડી આરોપી જયકિશન ઉર્ફે ચકો મહેશભાઈ કોળી પટેલને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ઍક દેશી હાથ બનાવટની પિસ્તલ, કિંમત રૂ. ૩૦ હજાર, તથા ઍક રિવોલ્વર, કિંમત રૂ.૨૫ હજાર, મળી કુલ રૂ.૫૫ હજારની કિંમતના ગેરકાયદે હથિયારો કબજે કર્યા હતાં. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ હથિયારો સંતાડવા માટે આપનાર તરીકે ક્રિશ કલ્પેશભાઈ કોળી પટેલ, રહે. ભાઠા ઘોડા ફળીયા, તા.ગણદેવીનું નામ બહાર આવ્યું હતું. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ માટે તપાસ તેજ કરી છે. આ સમગ્ર મામલે બીલીમોરા પોલીસે આર્મ્સ ઍક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગેરકાયદે હથિયારો ક્યાંથી મેળવવામાં આવ્યા હતાં અને આ હથિયારોનો ઉપયોગ કયા હેતુ માટે થવાનો હતો તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. વધુ તપાસ બીલીમોરા પીઆઈ ઍ.ઍસ. સરવૈયા કરી રહ્નાં છે.
