વાપી-દમણ-સેલવાસ દધીચી સમાજ દ્વારા મહર્ષિ દધીચીની જન્મજયંતિ ઉજવાઈ
- byDamanganga Times
- 22 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી,દમણ, તા. ૨૧ ઃ વાપી-દમણ-સેલવાસ દધીચી સમાજ દ્વારા મહર્ષિ દધીચીની જન્મજયંતિ શ્રદ્ધા અને આનંદના વાતાવરણમાં ઉજવવામાં આવી હતી. ધર્મના રક્ષણ અને લોકકલ્યાણ માટે ભગવાન ઇન્દ્રની વિનંતીથી પોતાના અસ્થિઓનું દાન કરનાર મહર્ષિ દધીચીના મહાન બલિદાનને આ પ્રસંગે યાદ કરવામાં આવ્યું હતું.
સુગર ઍન્ડ સ્પાઈસ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમનું ઉદ્ઘાટન વાપી મ્યુનિસિપલ કાઉન્સિલર મનીષા દયામા સહિતના આગેવાનો અને અધિકારીઓ દ્વારા મહર્ષિ દધીચી તથા માતા દધીમતીના ચિત્ર સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દધીચી મહિલા મંડળ દ્વારા સંગીતમય સમૂહ મંગલ પાઠ તથા પૂજા-પ્રાર્થના કરવામાં આવી હતી. સૂર્યપ્રકાશ દધીચ અને સાથીઓ દ્વારા ભગવાન શિવ, માતા દધીમતી તથા રાધા-કૃષ્ણને સમર્પિત સ્તોત્રોની રજૂઆત કરવામાં આવતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
સમાજના આગેવાન બી.કે. દયામાઍ મહર્ષિ દધીચીના જીવન અને તેમના મહાન બલિદાન અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે દેવોના રાજા ઇન્દ્રઍ વૃત્રાસુરના વધ માટે વજ્ર બનાવવા મહર્ષિ દધીચીના અસ્થિઓની માંગણી કરી હતી. લોકકલ્યાણ અને ધર્મની રક્ષા માટે મહર્ષિ દધીચીઍ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. તેમના જીવનમાંથી સમાજે ત્યાગ, સેવા અને પરોપકારની પ્રેરણા લેવી જોઈઍ તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે દધીચી સમાજ દ્વારા વાપીમાં નેત્રદાન અભિયાન શરૂ કરવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. સમાજસેવામાં યોગદાન બદલ વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટાયેલા કાઉન્સિલરો સત્યનારાયણ કુડાલ, શિવકુમાર ઓઝા, ચંદ્રકાંત દયામા, હેમલતા ઓઝા અને મનીષા દયામાનું શાલ અને ગુલદસ્તો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
