Damanganga Times.

Damanganga Times.

September 21, 2026

સાપુતારામાં દીપડાઓની લટાર.!

સાપુતારામાં દીપડાઓની લટાર.!


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા. ૨૦ ઃ ગુજરાતના પ્રવાસન નકશા પર આગવુ સ્થાન ધરાવતું અને ગુજરાતની આંખોના તારા તરીકે ઓળખાતું ગિરિમથક સાપુતારા હવે વન્યજીવોની અવરજવરથી પણ ચર્ચામાં આવ્યુ છે.સાપુતારાની ગિરિકંદરાઓમાં આવેલી લીલીછમ વનરાજી અને ગીચ જંગલમાંથી દીપડાઓ બહાર આવી માર્ગની સાઈડમાં આરામ ફરમાવતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પ્રવાસીઓ તથા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્ના છે.સાપુતારાના સનસેટ અને ટેબલ પોઈન્ટ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થામાં ફરજ બજાવતા યુવકોઍ માર્ગની બાજુની દીવાલ પર આરામ ફરમાવતા દીપડાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સાપુતારામાં દીપડાની હાજરીનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. સાપુતારા આવતા પ્રવાસીઓ માટે સનસેટ પોઈન્ટ અને ટેબલ પોઈન્ટ સૌથી લોકપ્રિય સ્થળોમાં સામેલ છે. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં કુદરતી સૌંદર્ય માણવા પહોંચે છે. જોકે સૂર્યાસ્ત બાદ આ વિસ્તારોમાં પ્રવાસીઓની અવરજવર રહેતી હોવા છતાં માર્ગના કેટલાક ભાગોમાં સ્ટ્રીટ લાઈટના અભાવે અંધારપટ છવાતો હોવાની ફરિયાદો વચ્ચે દીપડાના વીડિયો સામે આવતા પ્રવાસીઓની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. ખાસ કરીને સનસેટ અને ટેબલ પોઈન્ટ જેવા પ્રવાસીઓથી ધમધમતા વિસ્તારોમાં પૂરતી સ્ટ્રીટ લાઈટ, રાત્રિ પેટ્રોલિંગ અને જરૂરી સ્થળોઍ સુરક્ષા વ્યવસ્થા ઉપલબ્ધ છે કે કેમ તે અંગે પણ હવે સવાલો ઉઠી રહ્ના છે.