વાપીના જવેલર્સ પાસે રૂ. પ કરોડની યુ.કે.થી ખંડણીની માંગ!?
- byDamanganga Times
- 19 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૮ ઃ વાપીના ઍક જાણીતા જ્વેલર્સને કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગની વિરોધી ગેંગના નામે ૫ કરોડની ખંડણી માંગવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાથી વાપીના વેપારીઓમાં ચકચાર ફેલાઈ છે. પ્રા માહિતી મુજબ ગત બુધવારે વાપીના જ્વેલર સંચાલક યુવકના મોબાઈલ પર વિદેશી નંબર પરથી વોટ્સઍપ કોલ આવ્યો હતો. તે સમયે તે ગ્રાહકોમાં વ્યસ્ત હોવાથી કોલ ઉપાડી શક્યો ન હતો. બાદમાં તેણે સામેથી કોલ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોલ લાગ્યો ન હતો.
બીજા દિવસે સવારે ૩ઃ૩૦ કલાકે ફરી યુકે નંબર પરથી વોટ્સઍપ કોલ આવ્યો હતો. સામે છેડેથી વ્યક્તિઍ પોતાની ઓળખ કુખ્યાત બિશ્નોઈ ગેંગની વિરોધી ગેંગના સભ્ય તરીકે આપી હતી. ‘હું તને અને તારા પરિવારને ઓળખું છું’ ઍમ કહી ૫ કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી અને ધમકી આપી હતી કે ‘પોલીસમાં ફરિયાદ કરવી હોય તો કરી દે, પણ પરિણામ સારું નહીં આવે.’ આ ધમકીથી ગભરાયેલા જ્વેલર્સે તાત્કાલિક નંબર બ્લોક કરી દઈ વાપી પોલીસને જાણ કરી હતી.
જોકે આ મામલામાં સૌથી ચોંકાવનારો વળાંક ઍ છે કે સૂત્રોના જણાવ્યા મુજબ આ વોટ્સઍપ કોલ ઍઆઈ જનરેટેડ હોવાની શંકા છે. કોઈ ત્રાહિત ઈસમ દ્વારા રૂપિયા પડાવવા માટે આ તરકટ રચાયું હોવાનું મનાઈ રહ્નાં છે. વળી, જે વ્યક્તિના નામે ધમકી અપાઈ છે તેનું તો વર્ષો પહેલા ઍન્કાઉન્ટરમાં મોત થઈ ચૂક્યું છે. સૂત્રોનું કહેવું છે કે ભૂતકાળમાં પણ વાપીના કેટલાક વેપારીઓને આવા જ કોલ આવ્યા હતા અને ટૂંકા રસ્તે પૈસા કમાવવા માટે આવા ફોર્વર્ડ કોલ કરાતા હોવાની શક્યતા છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે, ત્યારે આ કથિત ખંડણી કોલની શહેરમાં ભારે ચર્ચા જાગી છે.
