Damanganga Times.

Damanganga Times.

September 18, 2026

વાપી પાલિકાના માજી સભ્ય દ્વારા ઘરવિહોણા પરિવાર માટે આવાસનું ખાતમુહૂર્ત કર્યુ

વાપી પાલિકાના માજી સભ્ય દ્વારા ઘરવિહોણા પરિવાર માટે આવાસનું ખાતમુહૂર્ત કર્યુ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૧૭ ઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વાપીના ગીતા નગર વિસ્તારમાં ઘરવિહોણા પરિવાર માટે  વાપી નગરપાલિકાના માજી સભ્ય દિલીપભાઈ યાદવ દ્વારા બનાવવામાં આવનાર આવાસનું રાજ્યના નાણાંમંત્રી તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

દિલીપભાઈ યાદવ દ્વારા છેલ્લા આઠ વર્ષથી વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે પોતાના મતવિસ્તારમાં ઘરવિહોણા પરિવારોને શોધી તેમના માટે પાકા આવાસ બનાવવાની સેવા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે.

વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારના વોર્ડ નં. ૧૦માં આવેલા ગીતા નગરમાં રહેતા વિનેશભાઈ કાંતિભાઈ પટેલના પરિવાર માટે નવા આવાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.વિનેશભાઈની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેઓ જૂના અને જર્જરિત મકાનમાં રહેતા હતા. ચોમાસા દરમિયાન મકાનમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાઈ જતું હતું અને મકાન ભયજનક સ્થિતિમાં પહોંચી ગયું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તેમના માટે નવું પાકું આવાસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાતમુહૂર્ત પ્રસંગે વાપી શહેર ભાજપ સંગઠનના પ્રમુખ મનીષભાઈ દેસાઈ, મહામંત્રી વિરાજ દક્ષિણી, વાપી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષભાઈ પટેલ, માજી સભ્ય સતિષભાઈ પટેલ, અજીતભાઈ મહેતા, મુકુંદાબેન પટેલ, પ્રવીણભાઈ પાટીલ, ભાવેશભાઈ મહેતા, ભાવેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્ના હતા.