કચીગામ હત્યા કેસમાં આરોપીની શોધવા વાપીના સીસીટીવી ફૂટેજ તપાસ્યા
- byDamanganga Times
- 18 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૧૭ ઃ દમણના કચીગામ ચેકપોસ્ટ નજીક દિનેશ બાર ઍન્ડ રેસ્ટોરન્ટની બાજુમાં નવી બની રહેલી બિલ્ડિંગમાંથી બે દિવસ અગાઉ હત્યા કરાયેલી હાલતમાં ઍક યુવકની લાશ મળી આવતાં દમણ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. હત્યાના આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે દમણ ના કચીગામ ચેકપોસ્ટથી વાપી રેલવે સ્ટેશન સુધીના સંભવિત માર્ગો પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં હત્યા કર્યા બાદ આરોપી વાપી રેલવે સ્ટેશન પહોંચ્યો હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને દમણ પોલીસે કચીગામ ચેકપોસ્ટથી વાપી રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર આવેલા વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી વાપી રેલવે સ્ટેશન પરથી ટ્રેનમાં સવાર થઈ ફરાર થયો હોવાની ચર્ચા વચ્ચે પોલીસ દ્વારા આ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત વાપીના હનુમાન મંદિર વિસ્તાર, પોસ્ટ વિભાગની કચેરી નજીકના માર્ગો તેમજ રેલવે સ્ટેશન તરફ જતા નેહરુ સ્ટ્રીટના ત્રણથી ચાર આંતરિક માર્ગો પર આવેલા હોટલો, દુકાનો અને અન્ય સ્થળોના સીસીટીવી કેમેરાના ફૂટેજ દમણ પોલીસે મેળવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આજે ગુરુવારે બપોરે દમણ પોલીસની ત્રણથી વધુ પોલીસ ટીમ અને વાહનો વાપીના વિવિધ વિસ્તારોમાં જોવા મળતાં સ્થાનિકોમાં પણ ભારે ચર્ચા જાગી હતી.
