Damanganga Times.

Damanganga Times.

September 18, 2026

વલસાડ પાલિકાની ટી.પી. સ્કીમો ત્રણ વર્ષથી કાગળ પર!

વલસાડ પાલિકાની ટી.પી. સ્કીમો ત્રણ વર્ષથી કાગળ પર!


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૭ ઃ વલસાડ પાલિકા વિસ્તારમાં સાડા ત્રણ વર્ષ થી ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ સર્વાનુમતે ઠરાવો કરવા છતાં રાજ્ય સરકાર સમક્ષ નહિ મોકલાવતા પાલિકા સભ્ય ઍ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવા માંગ કરવામાં આવી છે. વલસાડ નગરપાલિકા વિસ્તારમાં ઝડપથી વધી રહેલા શહેરીકરણ વચ્ચે આયોજનબદ્ધ વિકાસ માટે બનાવવામાં આવેલી ટાઉન પ્લાનિંગ સ્કીમો છેલ્લા સાડા ત્રણ વર્ષથી લાલિયાવાડી અને તંત્રની ઉદાસીનતાનો ભોગ બની હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ટાઉન પ્લાનિંગ ઍન્ડ સિટી ઇમ્પ્રૂવમેન્ટ કમિટી દ્વારા ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ સર્વાનુમતે પસાર કરાયેલા મહત્વપૂર્ણ ઠરાવો આજદિન સુધી સામાન્ય સભાની આખરી મંજૂરી મેળવી રાજ્ય સરકાર સમક્ષ ન મોકલાતાં વિવાદ સર્જાયો છે. આ અંગે  પાલિકા સભ્ય નિતેશભાઈ વશીઍ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી કે વલસાડ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા ૧૩/૦૨/૨૦૨૩ના રોજ મળેલી બેઠકમાં અબ્રામા-મોગરાવાડી વિસ્તારની નવી ટી.પી. સ્કીમો તેમજ વલસાડ શહેરની ટી.પી.-૧ અને ટી.પી.-૨ ના રિવાઇઝ્ડ આયોજન સંબંધિત ઠરાવ નં. ૧.૧ થી ૧.૪ પસાર કરવામાં આવ્યા હતા. જેમાં ઉત્તર તરફના આશરે ૮૫.૬૯ હેક્ટર વિસ્તાર ધરાવતી સૂચિત ‘નગર રચના યોજના નં.-૩ (વલસાડ-પારડી)’ ના આયોજન માટે જમીનની માપણી, ટેન્ડર પ્રક્રિયા અને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ની કલમ ૪૧(૧) હેઠળ મુખ્ય નગર નિયોજક (ગાંધીનગર) સાથે પરામર્શ મેળવવાની કામગીરી સામાન્ય સભામાં બહાલી મેળવી સરકારમાં મોકલવાનું નક્કી થયું હતું.

લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર, નિયમ મુજબ આ ઠરાવો પાલિકાની સામાન્ય સભામાં મૂકીને સરકાર સમક્ષ મોકલવાના હતા. પરંતુ સાડા ત્રણ વર્ષ જેટલો લાંબો સમય વીતી જવા છતાં જાહેર રેકોર્ડ મુજબ આ ઠરાવો અસરકારક રીતે સામાન્ય સભામાં મંજૂરી અર્થે રજૂ કરાયા નથી કે સરકારમાં દરખાસ્ત મોકલાઈ નથી. તાજેતરમાં પાલિકાની સામાન્ય સભામાં પણ આ મુદ્દે ચર્ચા છેડાઈ હતી.

શહેરીજનોમાં થઈ રહેલી ચર્ચા મુજબ જો સમયસર ટી.પી. સ્કીમો અમલમાં ન આવે તો શહેરનો આયોજનબદ્ધ વિકાસ રુંધાઈ શકે છે અને ગેરકાયદે બાંધકામોને પ્રોત્સાહન મળી શકે છે. હાલ આ મામલે કાયદેસર પ્રક્રિયા મુજબ તાત્કાલિક સામાન્ય સભા બોલાવી દરખાસ્ત સરકારમાં મોકલવાની ઉગ્ર માંગ ઉઠી છે.