દેવસરમાં ૧૦૦૮ મોદક યજ્ઞ યોજાયો
- byDamanganga Times
- 17 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૧૬ ઃ બીલીમોરા-ગણદેવી રોડ સ્થિત પ્રસિદ્ધ દેવસરના ગણરાજ મંડળ દ્વારા બુધવારે આયોજિત ભવ્ય ૧૦૦૮ મોદક યજ્ઞમાં શ્રદ્ધાળુઓનું વિશાળ ઘોડાપૂર ઊમટી પડ્યું હતું. રોશનીના શણગારથી ઝળહળી ઊઠેલા પંડાલમાં ભૂદેવોના સામૂહિક વૈદિક મંત્રોચ્ચાર, પવિત્ર ગૂગળ ધૂપની સુવાસ અને દિવ્ય મહાઆરતીથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જય શ્રી ગણેશ અને જય શ્રી રામના ગગનભેદી નારાઓ સાથે ગણેશજીના દરબારમાં સેંકડો ભક્તોઍ બે હાથ જોડી નતમસ્તક થઈ ધન્યતા અનુભવી હતી.
આ આધ્યાત્મિક મહોત્સવને સફળ બનાવવા માટે દેવસરના ગણરાજ મંડળના કાર્યકરો અને ગણેશ ભક્તોઍ ભારે જહેમત ઉઠાવી હતી. સુચારુ વ્યવસ્થા અને શિસ્તબદ્ધ આયોજનને પગલે પધારેલા તમામ શ્રદ્ધાળુઓઍ સરળતાથી ગૌરીનંદન ગણરાજના દર્શન, મહાઆરતી, મહાપ્રસાદ અને યજ્ઞના પાવન દર્શનનો લાભ લીધો હતો. દેવસરના ગણરાજ મંડળ દ્વારા આગામી તારીખ ૨૨/૦૯/૨૦૨૬ના રોજ ભવ્ય સત્યનારાયણ ભગવાનની કથા તેમજ મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન ધાર્મિક પ્રસંગે કથા શ્રવણ અને મહાપ્રસાદનો લાભ લેવા માટે મંડળ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
