દાંડી વિનય મંદિર છાત્રાલયમાં અનોખી ગણેશ ચતુર્થીની ઉજવણી
- byDamanganga Times
- 17 September, 2026
(દમણગંગાટાઈમ્સ પ્રતિનિધિ)
નવસારી, તા. ૧૬ ઃ વિનય મંદિર દાંડી કુમાર અને કન્યા છાત્રાલયમાં ગણેશ ચતુર્થી પર્વની ઉજવણી અનોખી અને સર્જનાત્મક રીતે કરવામાં આવી હતી. આ ઉજવણી માટે વિદ્યાર્થીઓઍ છાત્રાલયના ગૃહપતિ અશ્વિનભાઈ પટેલ અને ગૃહમાતા ટીનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ નઈ તાલીમના મૂલ્યોને અનુરૂપ પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને સર્જનાત્મકતાનો સુંદર સમન્વય સાધીને કેટલાંક વિદ્યાર્થીઓઍ જાતે માટીની શ્રી ગણેશજીની મૂર્તિ બનાવી, કેટલાંકે કલ્પનાશક્તિ અને કલાત્મક અભિવ્યક્તિ પ્રગટ કરતાં ગણેશજીનાં આકર્ષક ચિત્રો દોર્યા તો કેટલાંક વિદ્યાર્થીઓઍ શ્લોકો, ભજનો, નિબંધો, કાવ્યો અને સુવિચારોનું સર્જન કરીને સમગ્ર છાત્રાલયનું વાતાવરણ ગણેશમય કર્યું હતું.
વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ કલાકૃતિઓ, લેખન કૃતિઓ અને માટીની પ્રતિમાઓનું વિશેષ પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનને શિક્ષકો તથા વિદ્યાર્થીઓઍ ખૂબ જ રસપૂર્વક નિહાળ્યું. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા તથા મહેનતને સંચાલક મંડળના પ્રમુખ સુરેશભાઈ પટેલ અને મંત્રી ધીરુભાઈ પટેલે બિરદાવી હતી.
