ભગોદ અને મગોદ-ડુંગરીમાં ઓપીડી સેવા શરૂ
- byDamanganga Times
- 17 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૬ ઃ અતુલ ફાઉન્ડેશન દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે નજીકના ગામના લોકોને સસ્તી અને સરળતાથી આરોગ્ય સેવા મળી રહે તે હેતુથી ભગોદ અને મગોદ-ડુંગરી ગામમાં ઓપીડી સેન્ટર શરૂ કરવામાં આવ્યાં. ગામના તથા આસપાસના વિસ્તારોના લોકોને સામાન્ય બીમારીઓ માટે પ્રાથમિક તબીબી સલાહ અને સારવાર માટે દૂર જવું ન પડે તે માટે નજીવા દરે આ ઓપીડી સેવા શરૂ કરવામાં આવી છે.
અતુલ ફાઉન્ડેશન હેલ્થ સેન્ટરનાં ડોક્ટર નિયુત શાહે જણાવ્યું હતું કે બીપીઍલ કાર્ડધારકો માટે તદ્દન નજીવા દરે મેડીકલ સારવાર મળી રહે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે. ઓપીડી દરમિયાન નિષ્ણાંત તબીબ દ્વારા દર્દીઓની તપાસ, જરૂરી માર્ગદર્શન તથા દવાઓ અંગે સલાહ આપવામાં આવશે. જો દર્દીને વધુ સારવારની જરૂર જણાય તો અતુલ ગામમાં બનાવવામાં આવેલ અત્યાધુનિક સગવડોથી સજ્જ અતુલ ફાઉન્ડેશન હેલ્થ સેન્ટર ખાતે ખસેડવામાં આવશે.
અતુલ કંપનીનાં જનરલ મેનેજર ગૌતમ દેસાઈઍ જણાવ્યું હતું કે, ગામડાના લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા સરળતાથી અને નજીવા ખર્ચે મળી રહે તે અમારી સામાજિક જવાબદારીનો ઍક મહત્વપૂર્ણ ભાગ છે. આ સેવાનો વધુમાં વધુ લોકો લાભ લે તે અમારો ઉદ્દેશ છે.
આ પહેલથી ગામના લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધશે તેમજ સમયસર તબીબી સલાહ અને સારવાર ઉપલબ્ધ બનશે. જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પણ આ સેવાનો વિશેષ લાભ મળશે.
૧) ઓપીડી સ્થળ ભગોદ ગ્રામપંચાયત ઓફિસની બાજુમાં સેવાનો દિવસ અને સમય મંગળવાર અને શુક્રવાર સવારે ૮.૩૦ થી ૧૦.૩૦ જયારે ૨) ઓપીડી સ્થળ મગોદ–ડુંગરી માછી સમાજનાં દવાખાનામાં સેવાનો દિવસ અને સમય મંગળવાર અને શુક્રવાર ૧૧.૦૦ થી ૧.૦૦ વાગ્યા સુધીનો રહેશે.અતુલ ફાઉન્ડેશન દ્વારા ગામના લોકો તથા આસપાસના વિસ્તારના નાગરિકોને આ આરોગ્ય સેવાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
