વાપીમાં વરસાદી પાણી સંચયનું ૪૮ ટકાથી વધુ કામ પૂર્ણ
- byDamanganga Times
- 17 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૬ ઃ વાપી મહાનગર પાલિકા વિસ્તારમાં વરસાદી પાણીના સંચય માટે હાથ ધરાયેલી રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમની કામગીરી ગંભીરતાથી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ૪૮ ટકા જેટલું કામ પૂર્ણ થયું છે હજુ ૫૦ ટકા કામ પેન્ડિંગ છે.
પ્રા વિગતો મુજબ મહાપાલિકા હદમાં કુલ ૧,૬૭,૭૨૬ મિલકતો નોંધાયેલી છે, જેમાં ૨૬,૦૦૦ કોમર્શિયલ છે. બાકી રહેતા ૧,૪૧,૭૨૬ રહેણાંક મકાનોમાંથી ૩૫,૧૫૮ મકાન રેઈન વોટર હાર્વેસ્ટિંગ ફરજિયાત કરાયું છે. જેમાં અત્યાર સુધી ૧૭,૧૭૯ મકાનમાં (૪૮.૮૬ ટકા) કામ પૂર્ણ થયું છે, જ્યારે ૧૭,૯૭૯ મકાનમાં કામ બાકી છે. પેન્ડિંગ કામોમાં ૫૪૦ બિલ્ડીંગો, ૧૩૧૩ બંગલોઝ, ૪૧૨૬ રૂમ/ચાલી અને ૧૨,૦૦૦ વ્યક્તિગત મકાનોનો સમાવેશ થાય છે. પાલિકાઍ બાકી રહેલા ૧૮૫૩ હાઈરાઈઝ અને બંગલોઝમાં ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં કામ પૂર્ણ કરવાનું આયોજન કર્યું છે. જ્યારે ૧૪ હજારથી વધુ રૂમ અને મકાનોનું કામ આવતા વર્ષ માટે ધકેલાયું છે. બીજી તરફ મ્યુનિ સપલના ૧૮૧ બિલ્ડીંગોમાંથી ૮૧ પૂર્ણ, ૮૨ કામ પ્રગતિ હેઠળ છે. સરકારી ૮ બિલ્ડીંગોમાંથી માત્ર ૨ જ પૂર્ણ થયા છે. જોકે ૩૫૬ સોક પિટ અને ૧૫૦ રિચાર્જ પિટનું કામ ૧૦૦ ટકા પૂર્ણ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. આમ વાપી મનપામાં મેયર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈ, સ્ટેન્ડી કમિટી ચેરમેન સતિષ પટેલ, પાણી સમિતિ ચેરમેન કૌશિક પટેલના નેજા હેઠળ પાણી ખાતાના ઇજનેર સંજય ઝા અને તેમની ટીમ દ્વારા જુના બાકી રહી ગયેલા વરસાદી પાણી સંચયના કામને ઝડપથી પૂરું કરાવવા સતત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્નાં છે.મનપાના કમિશનર ઍન ઍફ ચૌધરી અને ડેપ્યુટી કમિશનર કિરીટસિંહ રાણા ઍ મનપાના તમામ ડેવલપરો તેમજ ખાનગી મકાન ધારકોને વરસાદી પાણીના જળ સંચયની વ્યવસ્થા અમલમાં મૂકવા પર ભાર મૂક્યો છે જેથી ભવિષ્યમાં ભૂગર્ભ જળના શંકરને નિવારી શકાય.
વરસાદી પાણીના સંચય માટે લોકોને પ્રોત્સાહન આપવા વાપી મહાનગર પાલિકા દ્વારા ૮૦ ટકા આર્થિક સહાય આપવામાં આવી રહી છે.
સોસાયટી કે મકાન માલિક દ્વારા પોતાના વિસ્તારમાં વરસાદી પાણી સંચય માટેનો પ્રોજેક્ટ સ્થાપવામાં આવે તો તેનો ૮૦ ટકા ખર્ચ પાલિકા ભોગવે છે, જ્યારે માત્ર ૨૦ ટકા રકમ જ સોસાયટી કે ઘર માલિક પાસેથી લેવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ વરસાદી પાણીના સંચય માટે પાઈપ લાઈનથી લઈને જરૂરી સાધનો સાથે પ્રોજેક્ટ સ્થાપવામાં આશરે રૂ. ૨.૫૦ લાખનો ખર્ચ થાય છે. જે પૈકી રૂ. ૨ લાખ જેટલી રકમ મનપા દ્વારા ફાળવવામાં આવે છે, જ્યારે બાકીની ૫૦ હજાર રૂપિયા લાભાર્થીઍ ચૂકવવાના હોય છે.
