Damanganga Times.

Damanganga Times.

September 15, 2026

વલસાડમાં ૪૦૦ મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ

વલસાડમાં ૪૦૦ મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ


વલસાડ, તા. ૧૪ ઃ આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ (ત્ળ્ષ્જ્)– ૨૦૨૬ અંતર્ગત વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, વલસાડના સંયુક્ત ઉપક્રમે જિલ્લા અંદર તાલીમ કાર્યક્રમનું આયોજન નાનાપોંઢા તાલુકાના અરનાલા ગામના શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલા ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ લાવવા તેમજ પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓને વધુ અસરકારક રીતે અપનાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક કૃષિ અને તેના ૫ આયામો અંગે જિલ્લા આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડી. ઍન. પટેલ દ્વારા માર્ગદર્શક વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આયામો તરીકે બીજામૃત, જીવામૃત/ઘન જીવામૃત, આચ્છાદન, વાફસા અને મિશ્ર પાક પદ્ધતિ અંગે વિગતવાર સમજ આપી હતી. આ પાંચેય આયામોનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા જાળવી રાખી શકાય, ખેતી ખર્ચમાં ઘટાડો કરી શકાય તેમજ ગુણવત્તાયુક્ત અને ટકાઉ ઉત્પાદન મેળવી શકાય તે અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમ દરમિયાન મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં સ્થાનિક સંસાધનોના મહત્તમ ઉપયોગ, જમીનની તંદુરસ્તી જાળવણી, પાક વૈવિધ્ય અને પર્યાવરણને અનુકૂળ ખેતી પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ભારત સરકાર દ્વારા આયોજિત વ્યસન મુક્તિ અભિયાન હેઠળ બ્રહ્માકુમારી વિદ્યાલય પારડી ખાતેથી વી.સી.પટેલ દ્વારા વ્યસનમુક્તિ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વ્યસનથી થતા સામાજિક, શારીરિક અને આર્થિક નુકસાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં અરનાલા ગામના સરપંચ સરિતાબેન પટેલ, તાલુકા પંચાયત સભ્યો જીતેન્દ્રભાઈ પટેલ અને વિનોદભાઈ, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, વલસાડ ડી. ઍન પટેલ, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર વિમલ ઍસ. પટેલ, ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ મેનેજર દીપિકા આર. થોરાટ તેમજ આત્મા, વલસાડ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, વલસાડના તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્ના હતો અને અંદાજિત ૪૦૦ જેટલી મહિલા ખેડૂતોઍ ભાગ લીધો હતો.