હનુમાનભાગડામાં હનુમાન ચાલીસાનો સામૂહિક પાઠ - પ્રસાદ યોજાયો
- byDamanganga Times
- 15 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૪ ઃ વલસાડ તાલુકાના હનુમાનભાગડા ગામ ખાતે આવેલા શ્રી હનુમાનજી મંદિર-શનિધામ પરિસરમાં ભક્તિસભર માહોલમાં સામૂહિક હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના લોકોમાં ધાર્મિક ભાવના અને ભક્તિ જળવાઈ રહે તેમજ સૌ સાથે મળીને પ્રભુની આરાધના કરી શકે તેવા ઉદ્દેશ્યથી ગ્રામજનો દ્વારા દર મહિનાના બીજા શનિવારે આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરા અંતર્ગત ૧૨ સપ્ટેમ્બરના રોજ શનિવારે રાત્રે ૮ વાગ્યાથી હનુમાન ચાલીસાના પાઠ શરૂ થયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર મંદિર પરિસર ઁજય શ્રી રામ અને જય બજરંગબલીના નારાથી ગુંજી ઊઠ્યું હતું. પાઠ સંપન્ન થયા બાદ શાસ્ત્રોક્ત વિધિ મુજબ શ્રી હનુમાનજી મહારાજની મહાઆરતી કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓઍ આરતી અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આરતી બાદ સૌ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આયોજકો દ્વારા આગામી સમયમાં પણ દર મહિનાના બીજા શનિવારે યોજાનારા આ સત્સંગ અને હનુમાન ચાલીસા પાઠમાં વધુમાં વધુ ભાવિક ભક્તો ઉપસ્થિત રહી ધાર્મિક લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે.
