Damanganga Times.

Damanganga Times.

September 15, 2026

ગણદેવી પંથકમાં ઠેર ઠેર શ્રીજીની પ્રતિમાઅોનું સ્થાપન

ગણદેવી પંથકમાં ઠેર ઠેર શ્રીજીની પ્રતિમાઅોનું સ્થાપન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૧૪ ઃ ગણદેવી તાલુકામાં પરંપરાગત ભક્તિભાવ અને અનેરા ઉત્સાહ સાથે ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. ગણપતિ બાપ્પા મોર્યાના ગગનભેદી નાદ અને ડીજેના તાલે વિઘ્નહર્તા દુંદાળા દેવનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તાલુકાના ત્રણ પોલીસ મથક વિસ્તારોમાં મળી કુલ ૪૦૩ સાર્વજનિક મંડળો દ્વારા આકર્ષક પંડાલમાં બાપ્પાની શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપના કરવામાં આવી છે; જેમાં ગણદેવી વિસ્તારમાં ૨૦૦, બીલીમોરા વિસ્તારમાં ૧૭૦ અને ધોલાઈ મરીન હેઠળના ગામોમાં ૩૩ મંડળોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૫૦૦થી વધુ ઘરોમાં પણ ગૌરી-ગણેશજીની પધરામણી થતાં સમગ્ર પંથક ગણેશભક્તિના રંગે રંગાયો છે.
બીલીમોરા અને આસપાસના વિસ્તારોમાં દેવસર ના ગણરાજ, દેવસરના રાજા, મન્નત કા રાજા, દેવસર નવનાથ ધામ, સરદાર પટેલ યુવક મંડળ, કિંગ ઓફ ખાડાઁ, ઓરિયા મોરા, કિંગ ઓફ પારસીવાડ તીસરી ગલી નવયુવક મંડળ તેમજ વિઠ્ઠલ નગર સોસાયટીના સુપ્રસિદ્ધ સમ્રાટ ઓફ વિઠ્ઠલ નગર સહિતના અગ્રણી મંડળો દ્વારા દુંદાળા દેવની વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ભવ્ય ડેકોરેશન અને મનમોહક રોશનીથી સજ્જ મંડપોમાં દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ લાગશે. સમગ્ર તાલુકામાં અત્યારે શ્રદ્ધા, ઉમંગ અને ઉત્સવનો માહોલ ચરમસીમાઍ પહોંચ્યો છે.