Damanganga Times.

Damanganga Times.

September 14, 2026

ગોઇમા પાસે બસ અડફેટે ઍક્ટિવા સવાર યુવકનું મોત

ગોઇમા પાસે બસ અડફેટે ઍક્ટિવા સવાર યુવકનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા.૧૪ ઃ પારડી તાલુકાના ગોઇમાગામના ગૌમુખી ફળિયા નજીક ઉદવાડાથી નાનાપોઢા તરફ જતા માર્ગ પર  ઍસ.ટી. બસ અને ઍક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઍક્ટિવા પર સવાર ૩૩ વર્ષીય યુવકનું મોત થયું હતું, જ્યારે તેની પત્નીને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
પોલીસ ફરિયાદ મુજબ, અરનાલા મુસ્લિમ ફળિયામાં રહેતા ઇન્જામુલહક તથા તેમની પત્ની દિવ્યાબેન વાપીની વેલ્સ્પન કંપનીમાં નોકરી કરતા હતા.
 સવારે બંને ઍક્ટિવા મોપેડ નં. ઞ્થ્-૧૫-ચ્ણ્-૯૨૮૪ પર નોકરીઍ જઈ રહ્ના હતા. આશરે સવારે ૮ઃ૧૫ વાગ્યે ગોઇમા ગામના ગૌમુખી ફળિયા નજીક પહોંચતા સામેથી આવતી ઍસ.ટી. બસ નં. ઞ્થ્-૧૮-ક્ષ્વ્ ૦૭૮૫ સાથે તેમની ઍક્ટિવાની ટક્કર થઈ હતી.
અકસમાત બાદ આસપાસના લોકો ઍકત્ર થયા હતા. ૧૦૮ ઍમ્બ્યુલન્સ મારફતે દિવ્યાબેનને સારવાર માટે ચીરંજીવી હોસ્પિટલ, નાનાપોંઢા ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમને જમણા હાથ અને પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. બીજી તરફ ઇન્જામુલહકને પરિવારજનો પોતાની કારમાં હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે સારવાર દરમિયાન ફરજ પરના તબીબે સવારે ૯ વાગ્યે ઇન્જામુલહકને મૃત જાહેર કર્યા હતા.
ત્યારબાદ મૃતદેહને નાનાપોંઢા સરકારી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડવામાં આવ્યો હતો. ફરિયાદમાં  ઍસ.ટી. બસના ચાલકે બસ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ઍક્ટિવાને ટક્કર મારી હતી અને અકસ્માત બાદ બસ સ્થળ પર મૂકી ચાલક ફરાર થઈ ગયો હતો.
અકસમાતમાં ઇન્જામુલહકનું મોત થતાં અરનાલા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. પરિવારજનો સહિત ગ્રામજનોમાં ઘેરા દુઃખની લાગણી જોવા મળી હતી. આ બનાવ અંગે પારડી પોલીસ સ્ટેશનમાં ઍસ.ટી. બસ ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૮૧, ૧૨૫(બ), ૧૦૬(૧) તથા ઍમ.વી. ઍક્ટની કલમ ૧૭૭ અને ૧૮૪ મુજબ ગુનો નોંધાયો છે. પારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.