Damanganga Times.

Damanganga Times.

September 14, 2026

વલસાડ જિલ્લામાં શ્રદ્ધાપૂર્વક શ્રીજીની સ્થાપના સાથે ગણેશ ઉત્સવનો પ્રારંભ

વલસાડ જિલ્લામાં શ્રદ્ધાપૂર્વક શ્રીજીની સ્થાપના સાથે ગણેશ ઉત્સવનો પ્રારંભ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, વાપી, તા. ૧૪ ઃ  સમગ્ર વલસાડ અને વાપી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજરોજ ગણેશ ચતુર્થીના પાવન પર્વની ભારે ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સાર્વજનિક ગણેશ મંડળો તેમજ ઘરોમાં વિઘ્નહર્તા દેવ ગણપતિ બાપ્પાની પ્રતિમાની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સ્થાપના કરવામાં આવી હતી. વલસાડ શહેરના બેચર રોડ  પર આવેલ ડાંગ દરબાર  દ્વારા ગયા વર્ષે રાધાકૃષ્ણની મૂર્તિ ઍ આકર્ષણ જણાવ્યા બાદ આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપનાની સાથે  ભગવાન શંકર અને માતા પાર્વતીની મૂર્તિ મુકતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
વાપી પંથકમાં આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વે ભારે ધામધૂમ અને શ્રદ્ધાભેર ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. શ્રીજીના આગમનને લઈને શહેરના વિવિધ માર્ગો અને વિસ્તારોમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વાપી મહાનગરપાલિકા અને વાપી નોટિફાઇડ હદ વિસ્તારમાં હિન્દુ ધર્મના પ્રથમ પૂજનીય દેવ અને સર્વપ્રથમ પૂજાતા ભગવાન ગણેશજીની ઠેર ઠેર સ્થાપના કરવામાં આવી હતી. મોટા ગણેશ મંડળો તેમજ વિવિધ સોસાયટીઓમાં છેલ્લા કેટલાક દિવસોથી શ્રીજીનું આગમન થઈ ચૂક્યું હતું, જ્યારે ઘરગથ્થુ ગણપતિજી તેમજ નાના મંડળોની પ્રતિમાઓનું આજે વહેલી સવારે મંડળના સ્થળે આગમન થયું હતું.
ગણપતિ બાપ્પાના આગમન પ્રસંગે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ સ્થળોઍ ફટાકડા ફોડી, ગુલાલ ઉડાડી તેમજ ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ સાથે શ્રીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેના પગલે સમગ્ર વિસ્તાર ગણેશમય બની ગયો હતો.