કેળવણીમાં સ્મશાનભૂમિની દયનીય હાલત સામે ગ્રામજનોનો રોષ
- byDamanganga Times
- 14 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૩ ઃ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કેળવણી ગામના પાડવી ફળિયાની સ્મશાનભૂમિની દયનીય સ્થિતિ દર્શાવતો વીડિયો વાયરલ થયા બાદ આદિવાસી સમાજના આગેવાનો અને સ્થાનિક ગ્રામજનોઍ સ્થળ પર પહોંચી પરિસ્થિતિની ગંભીર નોંધ લીધી હતી. સ્મશાનભૂમિ સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તો ન હોવા સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવે ગ્રામજનોને અંતિમવિધિ દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાની રજૂઆત કરવામાં આવી છે.
ડૉ. નિરવ ભુલાભાઈ પટેલ, ધરમપુરના માજી ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, કમલેશ પટેલ, મુકેશ પટેલ અને પથીક પટેલ સહિતના આગેવાનોઍ ગામના સરપંચ નરેશભાઈ, માજી સરપંચ સુરેશભાઈ, જયેશભાઈ પવાર, દિનેશ પાડવી તેમજ સ્થાનિક ગ્રામજનો સાથે સ્થળ મુલાકાત કરી હતી.
આ દરમિયાન સ્મશાનભૂમિની વાસ્તવિક સ્થિતિ અંગે ગ્રામજનો સાથે લાંબી ચર્ચા કરી તેમની સમસ્યાઓ અને માંગણીઓ જાણી હતી.
ચર્ચા બાદ ખાતા નં. ૨૭૨માં આવેલી સ્મશાનભૂમિમાં જરૂરી પ્રાથમિક અને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા વલસાડ જિલ્લા કલેક્ટરને તાકીદની રજૂઆત કરવામાં આવી છે.
ગ્રામજનોની મુખ્ય માંગણીઓમાં બારેમાસ ઉપયોગ કરી શકાય તેવો પાકો રસ્તો, મજબૂત વરસાદરોધક શેડ, કાયમી વીજ કનેક્શન, સુરક્ષિત વાયરિંગ અને પૂરતી લાઇટિંગની વ્યવસ્થાનો સમાવેશ થાય છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, વરસાદ દરમિયાન રસ્તા પર કાદવ-કીચડ થવાના કારણે મૃતદેહને સ્મશાનભૂમિ સુધી લઈ જવામાં પણ ભારે મુશ્કેલી પડે છે. આવી સ્થિતિમાં અંતિમવિધિ માટે પાકો રસ્તો અત્યંત જરૂરી છે. સાથે જ વરસાદ કે અન્ય પ્રતિકૂળ હવામાનમાં અંતિમવિધિ સરળતાથી થઈ શકે તે માટે મજબૂત શેડ બનાવવાની માંગ કરવામાં આવી છે.
સ્મશાનભૂમિમાં રાત્રિના સમયે અંતિમવિધિ દરમિયાન અંધારાના કારણે સર્પદંશ અથવા અકસ્માતનો ભય રહેતો હોવાથી કાયમી વીજ કનેક્શન અને પૂરતી લાઇટિંગની વ્યવસ્થા કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે. આ ઉપરાંત પીવાના પાણીની સુવિધા, નિયમિત સફાઈ, કચરા વ્યવસ્થાપન અને ગ્રામજનોને બેસવા માટે પ્લેટફોર્મ જેવી મૂળભૂત સગવડો ઊભી કરવાની રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જો સ્મશાનભૂમિના વિકાસ માટે અગાઉ કોઈ સરકારી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હોય તો મંજૂર થયેલી ગ્રાન્ટ, થયેલા ખર્ચ અને હાલમાં તેની સ્થિતિ અંગેની વિગતો જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે. તેમજ તા. ૨૧ જાન્યુઆરી ૨૦૨૩ની ગ્રામસભામાં સર્વાનુમતે પસાર થયેલા ઠરાવ અંગે અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી અને તેના પરિણામોની લેખિત માહિતી ગ્રામજનોને આપવાની માંગ કરવામાં આવી છે.
ડૉ. નિરવ પટેલે જણાવ્યું હતું કે, આઝાદીના દાયકાઓ બાદ પણ આદિવાસી બહુલ અને આર્થિક રીતે નબળા વિસ્તારોમાં લોકોને મૃતકના સન્માનપૂર્ણ અંતિમ સંસ્કાર માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે તે અત્યંત ખેદજનક બાબત છે. સ્મશાનભૂમિમાં સુવિધાઓની માંગ કોઈ વ્યક્તિગત લાભ માટેની માંગ નથી, પરંતુ માનવ ગૌરવ અને સામાજિક ન્યાય સાથે જોડાયેલો મૂળભૂત પ્રશ્ન છે.
તેમણે વધુમાં જણાવ્યું કે વહીવટી તંત્રઍ માત્ર કાગળ પરની રજૂઆતો સુધી સીમિત ન રહી ગામે ગામ જઈ આઝાદી બાદથી વણઉકેલાયેલા આવા મૂળભૂત પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈઍ. ધરમપુર અને કપરાડાના ડુંગરાળ આદિવાસી વિસ્તારો સાથે થતું ઓરમાયું વર્તન હવે તાત્કાલિક બંધ કરી લોકોની મૂળભૂત જરૂરિયાતોને પ્રાથમિકતા આપવી જરૂરી છે.
