વાપી સહિત જિલ્લામાં કરોડોના વ્યવહારો અટક્યા
- byDamanganga Times
- 12 September, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાપી, વલસાડ, તા. ૧૧ ઃ વલસાડ જિલ્લા સહિત વાપીમાં સરકારી અને રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ આજે ઍક દિવસીય હડતાળ પર ઉતરતાં બેંકિંગ વ્યવસ્થાને અસર પહોંચી છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ ના બેનર હેઠળ યોજાયેલી આ હડતાળમાં કર્મચારીઓ દ્વારા મુખ્યત્વે ૫-ડે બેંકિંગ અને ન્યાયી પરફોર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ સહિતની માંગણીઓ ઉઠાવવામાં આવી છે.
બેંક કર્મચારીઓની હડતાળને પગલે વલસાડ જિલ્લામાં આજે અંદાજે રૂ. ૬૦૦ કરોડથી રૂ. ૧૦૦૦ કરોડ સુધીના બેંકિંગ વ્યવહારો અટકી પડ્યા હોવાનો અંદાજ છે. ખાસ કરીને વાપી જેવા ઔદ્યોગિક શહેરમાં બેંકો સાથે મોટા પ્રમાણમાં નાણાકીય વ્યવહારો સંકળાયેલા હોવાથી હડતાળની અસર વેપારીઓ, ઉદ્યોગકારો તેમજ સામાન્ય ગ્રાહકો પર જોવા મળી રહી છે.
હડતાળ બાદ આવતીકાલે બીજો શનિવાર, ત્યારબાદ રવિવાર અને સોમવારે ગણેશ ચતુર્થીની રજા હોવાથી બેંકિંગ સેવાઓ સતત દિવસો સુધી પ્રભાવિત થવાની સ્થિતિ ઊભી થઈ છે. જેના કારણે રાષ્ટ્રીયકૃત બેંકોમાં ખાતા ધરાવતા ગ્રાહકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.બીજી તરફ વાપી શહેર તેમજ વાપી જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કેટલાક ઍટીઍમમાં પણ કેશ ઉપલબ્ધ ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે. જેના કારણે બેંક શાખાઓ બંધ રહેવાની સાથે ઍટીઍમમાંથી રોકડ ઉપાડવામાં પણ ગ્રાહકોને મુશ્કેલી પડી રહી હોવાનું જાણવા મળી રહ્નાં છે. ઔદ્યોગિક વિસ્તારમાં પગાર, સપ્લાયરોને ચુકવણી, ચેક ક્લિયરિંગ અને અન્ય નાણાકીય વ્યવહારો પર પણ હડતાળની અસર થવાની શક્યતા છે. સતત રજાઓને કારણે બેંકિંગ કામગીરી સામાન્ય થવામાં વધુ સમય લાગી શકે છે.
