વલસાડમાં પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 12 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૧ ઃ વલસાડ જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા વલસાડ ઘટક ૨ના હોલ ખાતે વલસાડ ઘટક ૨ અને ઘટક ૩ દ્વારા ઘટક કક્ષાના પોષણ ઉત્સવ ૨૦૨૬ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા-૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધાનો હેતુ આંગણવાડીના લાભાર્થીઓ તેમજ સમાજના છેવાડાના લોકોમાં બાજરી, જુવાર, નાગલી, કોદરી, સામો અને કાંગ જેવા શ્રી અન્ન(મિલેટ્સ) તેમજ આંગણવાડી કેંદ્રોમાં અપાતા ટેક હોમ રાશન (વ્ણ્ય્) જેવા કે બાલશક્તિ, માતૃશક્તિ, પૂર્ણાશક્તિ અને સરગવામાંથી બનતી પોષણયુક્ત વાનગીઓ વિશે જાગૃતિ કેળવવાનો અને તેના વપરાશને પ્રોત્સાહન આપવાનો હતો.
વર્ષ ૨૦૨૪ થી શરૂ થયેલી આ રાજયવ્યાપી પૌષ્ટિક વાનગી સ્પર્ધાના ભાગરૂપે વલસાડ ઘટક ૨ ખાતે આ કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં વલસાડ ઘટક ૨ અને ૩ માં સમાવિષ્ટ કુલ ૧૦ સેજાના વિજેતા કાર્યકરો દ્વારા સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો. સ્પર્ધકો દ્વારા સરગવો, વિવિધ ભાજી અને મિલેટ્સનો ઉપયોગ કરીને બાલશક્તિ, માતૃશક્તિ, પૂર્ણાશક્તિમાંથી બનાવેલી વિવિધ વાનગીઓઍ ઉપસ્થિત તમામ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.
આ કાર્યક્રમમાં ડૉ. મંજરી શર્મા હોમ સાયન્સ કોલેજના આસિ. પ્રોફેસર, ડૉ. બિનિતા પટેલ ડાયેટિશિયન, ડૉ. સ્વાતિ ચૌધરી આયુષ મેડિકલ ઓફિસર, ડૉ. કામિની પટેલ હોમિયોપેથિક મેડિકલ ઓફિસર, સુષ્મા પટેલ ન્યુટ્રીશન આસિ. ફય્ઘ્ સિવિલ હોસ્પિટલ અને સ્નેહલ બાર્ગજે ન્યુટ્રીશન આસિ. આરોગ્ય શાખા દ્વારા નિર્ણાયક તરીકે ભુમિકા ભજવી હતી.
ડૉ. બિનિતા પટેલે વાનગી બનાવવાની યોગ્ય પદ્ધતિઓ અને મિલેટ્સના ફાયદાઓ વિશે જાણકારી આપી હતી.
સ્પર્ધામાં વિજેતા આંગણવાડી કાર્યકરોને પ્રમાણપત્ર, ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ આંગણવાડી કાર્યકરોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વલસાડ ઘટક- ૨ ના બાળ વિકાસ યોજના અધિકારી નિલમબેન આર. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
