ઉમરગામ તાલુકામાં મહેસૂલી તલાટીઓને ગામોની સેજાવાર જવાબદારી સોંપાઈ
- byDamanganga Times
- 11 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૦ ઃ મામલતદાર ઉમરગામ કચેરી દ્વારા તા. ૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ના હુકમથી તાલુકામાં નવીન નિમણૂંક પામેલા મહેસૂલી તલાટીઓને સેજા મુજબ ગામોની ફાળવણી કરવામાં આવી છે. મહેસૂલી તલાટીઓઍ તેમના જોબચાર્ટ મુજબની કામગીરી ગ્રામ પંચાયત કચેરીમાં બેસીને કરવાની રહેશે. નાગરિકોને સરળતાથી મહેસૂલી સેવાઓ મળી રહે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. હુકમ મુજબ મહેસૂલી તલાટીઓઍ તેમને ફાળવાયેલા ગામમાં નક્કી કરેલા દિવસે હાજર રહેવાનું રહેશે. તેમજ ગ્રામ પંચાયત કચેરીમાં જનતાને દેખાય તેવી જગ્યાઍ તેમનું નામ અને માહિતી દર્શાવતું બોર્ડ/સ્ટીકર લગાવવાનું રહેશે. નાગરિકોને સમયસર સેવા આપવા ખાસ સૂચના મામલતદારના હુકમમાં મહેસૂલી તલાટીઓને નક્કી કરેલા જોબચાર્ટ મુજબ કામગીરી કરવા અને નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તેની પૂરતી તકેદારી રાખવા જણાવાયું છે.
સંબંધિત તલાટીઍ પંચાયત તલાટી-કમ-મંત્રી પાસેથી પોતાની કામગીરીનું રેકર્ડ અદ્યતન કરાવી ચાર્જ મેળવવાનો રહેશે.
હાલમાં તમામ સેજાઓ ઉપર કાયમી નિમણૂક પૂર્ણ થઈ ન હોવાથી કેટલીક સેજાઓનો ચાર્જ આપવામાં આવ્યો છે. નવી નિમણૂંક થતાં સંબંધિત કામગીરી નવા કર્મચારીને સોંપવામાં આવશે.
હાલ અલગ ફર્નિચરની વ્યવસ્થા શક્ય ન હોવાથી ગ્રામ પંચાયત કચેરીમાં ઉપલબ્ધ બેઠક વ્યવસ્થાનો ઉપયોગ કરી મહેસૂલી તલાટી તથા પંચાયત તલાટી-કમ-મંત્રીઍ સંકલનથી કામગીરી કરવાની રહેશે. ઍક જ સ્થળે રેકર્ડ અને માહિતી ઉપલબ્ધ રહેતાં ગ્રામજનોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવામાં મદદ મળશે. મામલતદાર ઉમરગામ શ્રી ઍચ. ઍચ. કાકલોતરે હુકમની તાત્કાલિક અમલવારી કરવા સંબંધિત કર્મચારીઓને સૂચના આપી છે. તાલુકા વિકાસ અધિકારી તથા સંબંધિત પંચાયત તલાટી-કમ-મંત્રીઓને પણ જરૂરી કાર્યવાહી માટે હુકમની નકલ મોકલવામાં આવી છે.
