Damanganga Times.

Damanganga Times.

September 10, 2026

વાપીમાં આવકના દાખલા માટે ઓનલાઇન અરજી ફરજિયાત કરાતા અરજદારો મુશ્કેલીમાં

વાપીમાં આવકના દાખલા માટે ઓનલાઇન અરજી ફરજિયાત કરાતા અરજદારો મુશ્કેલીમાં


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૯ ઃ વાપી મામલતદાર કચેરીમાં આવકનો દાખલો મેળવવા માટે ઓનલાઇન અરજી કરવી ફરજિયાત બનાવાતા અનેક ગરીબ, જરૂરિયાતમંદ અને અશિક્ષિત અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. અરજદારોના જણાવ્યા મુજબ કચેરીમાં આવકના દાખલા સંબંધિત કામગીરી માત્ર બે દિવસ પૂરતી જ થતી હોવાથી પણ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેકટર દ્વારા તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાપી મામલતદાર કચેરીમાંથી આવકનો દાખલો મેળવવા માટે અરજદારે ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની તેમજ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે. વાપી તથા તેની આસપાસના મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ૧૧ ગામોના અનેક ગરીબ અને જરૂરિયાતમંદ લોકો પાસે ઓનલાઇન અરજી કરવાની આવડત નથી. કેટલાક અરજદારો પાસે સ્માર્ટફોનની સુવિધા પણ ન હોવાથી તેઓ અરજી કરી શકતા નથી.
આ ઉપરાંત, ઓનલાઇન અરજીની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાની પદ્ધતિ અંગે પૂરતી સમજણના અભાવે પણ અરજદારોને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને અશિક્ષિત અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આ પ્રક્રિયા વધુ પડકારજનક બની છે.
અરજદારોની માંગ છે કે વાપી મામલતદાર કચેરીમાં ઓનલાઇન અરજી કરવામાં અસમર્થ લોકો માટે સહાય કેન્દ્ર અથવા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે. સાથે જ આવકના દાખલા સંબંધિત કામગીરી વધુ દિવસો સુધી કરવામાં આવે, જેથી લોકોને વારંવાર કચેરીના ધક્કા ન ખાવા પડે.
આ સમગ્ર મુદ્દે વાપી મામલતદાર કચેરીના જવાબદાર અધિકારીઓ, મામલતદાર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેકટર દ્વારા તાત્કાલિક તપાસ કરી અરજદારોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.