Damanganga Times.

Damanganga Times.

September 10, 2026

વાપીમાં ચોમાસામાં ઉખેડેલા રસ્તા મરામત હજુ રાહ જાવડાવશે

વાપીમાં ચોમાસામાં ઉખેડેલા રસ્તા મરામત હજુ રાહ જાવડાવશે


વાપીના વાવડ વાપી મહાનગરપાલિકામાં ૧૧ ગ્રામ્ય વિસ્તારોના સમાવેશ બાદ હાલ આશરે ૨૫૨ કિલોમીટરના જાહેર માર્ગો મહાનગરપાલિકા હસ્તક છે. ચોમાસામાં પડેલા સાંબેલાધાર વરસાદ અને પૂરની સ્થિતિને કારણે બહુધા માર્ગો સંપૂર્ણપણે ઉખડી ગયા છે. શહેરના મુખ્ય તેમજ આંતરિક માર્ગો પર મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને અકસ્માતનો ભય પણ વધ્યો છે.
મનપા સૂત્રોના જણાવ્યા મુજબ, ચોમાસુ સંપૂર્ણ રીતે પૂર્ણ ન થાય ત્યાં સુધી માર્ગોનું પેચવર્ક કે ડામર કામ ટકી શકે તેમ નથી. સતત ભેજ અને વરસાદી પાણીને કારણે કરેલું કામ તરત જ ઉખડી જાય છે. તેથી તંત્ર દ્વારા આગામી ૧૫ ઓક્ટોબર બાદ જ માર્ગ મરામતની કામગીરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આમ વાપીના શહેરીજનોઍ હજુ ઍક મહિનો ખાડાવાળા રસ્તા પર જ હાલાકી વેઠવી પડશે.
મનપા હસ્તક ન થયેલા માર્ગો મુદ્દે ગંભીર વિચારણા જરૂરી
મનપાના અધિકૃત ૨૫૨ કિમી માર્ગો સિવાય શહેરમાં અનેક રહેણાંક વિસ્તારો ઍવા છે કે જ્યાં દાયકા પહેલા સોસાયટીઓ બની છે, હજારો પરિવારો રહે છે, પરંતુ તેમના આંતરિક માર્ગો આજે પણ ન ધણિયાતી હાલતમાં છે. કારણ કે મૂળ જમીન માલિકે સોસાયટી બાંધ્યા બાદ રહીશોને હેન્ડઓવર કરી નથી અથવા હેન્ડઓવર કરવા છતાં માર્ગની જમીનનો હક્ક પોતા પાસે રાખ્યો છે. કેટલાક કિસ્સામાં તો જમીન માલિક સ્વર્ગે સિધાવી ગયા છે, જેથી હસ્તાંતરણની પ્રક્રિયા ટલ્લે ચઢી છે. આર્થિક રીતે સધ્ધર સોસાયટીઓ પોતાના ખર્ચે રસ્તા બનાવી લે છે, પરંતુ મોટાભાગની મધ્યમવર્ગીય સોસાયટીઓમાં લોકોની હાલાકી યથાવત છે. છીરી, વલ્લભનગર જેવા અનેક વિસ્તારોમાં આ પ્રશ્ન સળગતો છે. ત્યારે કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ વર્ષોથી જાહેર ઉપયોગમાં લેવાતા આવા માર્ગોને મનપાઍ જાહેર માર્ગ તરીકે ગણી મરામત કરવી જોઈઍ, અથવા અગાઉની ૭૦/૩૦ ની યોજના જેવી વ્યવસ્થા ફરી શરૂ કરવી જોઈઍ, તેવી માંગ ઉઠી છે.
અઢી માસમાં કારોબારી સિવાય માત્ર ઍક સમિતિની બેઠક મળી
વાપી મહાનગરપાલિકામાં  ૧૨ જેટલી સમિતિઓની રચના તા.૩૦/૦૬/૨૦૨૬ ના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ નિયમ મુજબ દર મહિને કારોબારી સમિતિની બેઠક યોજાઈ રહી છે, પરંતુ તે સિવાય છેલ્લા અઢી માસમાં માત્ર ઍક જ સમિતિની બેઠક મળી છે.માત્ર જાહેર પરિવહન અને પ્રવૃત્તિ સમિતિની જ ઍક બેઠક યોજાઈ છે. તે સિવાયની ૧૦ જેટલી અતિ મહત્વની ગણાતી જાહેર બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ, નગર નિયોજન ઍટલે કે ટાઉન પ્લાનિંગ સમિતિ, પાણી સમિતિ, લાઈટ ઍન્ડ ફાયર સમિતિ જેવી સમિતિઓની ઍક પણ બેઠક હજુ સુધી યોજાઈ નથી. આ મહત્વની સમિતિઓની બેઠક ન મળવાને કારણે શહેરના વિકાસના કામો, મરામત, સફાઈ, પાણી અને લાઈટના પ્રશ્નોની દરખાસ્તોને વેગ આવતો નથી. કાઉન્સિલરો પોતાના વોર્ડના કામો રજૂ કરવા માટે સમિતિની બેઠકની રાહ જોઈ રહ્ના છે. જેથી વિકાસ કાર્યો ઠપ્પ થવાની લાગણી પ્રવર્તી રહી છે.
આ અંગે ચૂંટાયેલા કાઉન્સિલરોમાં ઍવી લાગણી છે કે સત્તાધીશ ભાજપ સંગઠન દ્વારા ઝડપથી મહત્વની તમામ સમિતિઓની મિટિંગ બોલાવવાનો નિર્ણય લેવામાં આવે, જેથી વહીવટી કામગીરીને વેગ મળે.
શાસક અને વિપક્ષના નેતાને કેબિન ક્યારે મળશે?
વાપી મનપા કચેરીમાં હાલ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે અલગ કેબિનની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ, ગત સામાન્ય સભામાં નિમાયેલા શાસક પક્ષના નેતા અને વિપક્ષના નેતા માટે હજુ સુધી કચેરીમાં બેસવા માટે કેબિનની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેને લઈને ભારે ગણગણાટ ચાલી રહ્ના છે.
ખાસ કરીને વિપક્ષના નેતાઍ તો સામાન્ય સભામાં આ મુદ્દે ભારે બળાપો ઠાલવીને પ્રોટોકોલ મુજબ સુવિધા આપવા માંગ કરી હતી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરીકે લોકોના પ્રશ્નો સાંભળવા માટે કચેરીમાં સ્થાન હોવું જરૂરી છે. આગામી દિવસોમાં બંને નેતાઓ માટે પ્રોટોકોલ મુજબ કેબિનની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ અસ્થાને નથી.