વાપી ઝંડા ચોકથી ગોલ્ડ કોઈન સર્કલ સુધી રાત્રે અંધારપટ
- byDamanganga Times
- 10 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૯ ઃ વાપી શહેરના અતિ વ્યસ્ત ગણાતા ઝંડા ચોકથી ગોલ્ડ કોઈન સર્કલ સુધીના માર્ગ પર છેલ્લા પાંચ મહિનાથી વધુ સમયથી રાત્રિના સમયે અંધારપટ છવાયેલો રહે છે. આશરે ૭૦૦ મીટરના આ મુખ્ય માર્ગ પર બંને તરફ સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા જ ન હોવાથી રાત્રે અવરજવર કરતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ છે. પ્રા માહિતી મુજબ, આ માર્ગ પર બ્રિજના નિર્માણ અર્થે જમીન સંપાદનની કામગીરી હાથ ધરાયા બાદ માર્ગ વિસ્તરણ કરાયું હતું. તે વેળા માર્ગની બંને તરફ લાગેલી તમામ સ્ટ્રીટ લાઈટો તંત્ર દ્વારા કાઢી નાખવામાં આવી હતી. પરંતુ, કામગીરી પૂર્ણ થયા બાદ આજદિન સુધી ફરી સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવી નથી. જેના કારણે આખો વિસ્તાર રાત્રે અંધારામાં ડૂબી જાય છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, રાત્રિના સમયે આ માર્ગ પર ચોરી, લૂંટ અને અઘટિત ઘટનાઓ બનવાની ભીતિ સેવાઈ રહી છે. અનેક વખત રજૂઆત કરવા છતાં મનપા તંત્ર દ્વારા ધ્યાન ન આપતા લોકોમાં રોષ જોવા મળી રહ્ના છે. અંધારાના કારણે વાહન અકસ્માતનો ભય પણ સતત રહે છે. કારણ કે, બ્રિજ નિર્માણ કામ માટેના સળિયા થી લઈ મટીરીયલ પડેલ હોય છે તેમજ માર્ગ પણ ઉબડખાબડ બની ગયો છે. ચલા દમણ રોડ ના આ મુખ્ય માર્ગ ઉપરના આશરે ૭૦૦ મીટરના આ પટ્ટા પર બંને તરફ લાઈટ ન હોવાથી વેપારીઓ, રહીશો અને રાત્રે કામ પરથી ઘરે જતા કર્મચારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે વાપી મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા ઊભી કરે તેવી લોકોમાંથી ઉગ્ર માંગ ઉઠી છે.
