ગણદેવીની દમણિયા હોસ્પિટલમાં ૩.૧૦૦ કિલોની કેન્સરની ગાંઠનું સફળ ઓપરેશન
- byDamanganga Times
- 09 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા. ૦૮ ઃ ગણદેવીની દમણિયા હોસ્પિટલમાં તબીબી ક્ષેત્રે મહત્વપૂર્ણ સફળતા પ્રા થઈ છે. ચીખલી તાલુકાના ઉંઢવણ ગામના દર્દી હસમુખભાઈ પટેલના પેટમાંથી ૩,૧૦૦ ગ્રામ વજનની જટિલ અને દુર્લભ પ્રકારની કેન્સરની ગાંઠનું સફળતાપૂર્વક ઓપરેશન કરી તેને દૂર કરવામાં આવી હતી. હસમુખભાઈ પટેલને આશરે વીતેલા બે-ઍક મહિનાથી પેટમાં દુઃખાવાની તકલીફ રહેતી હતી. તબીબી તપાસ દરમિયાન તેમના પાચનતંત્રમાં મોટી ગાંઠ હોવાનું નિદાન થયું હતું. ગાંઠ હોજરીની દીવાલમાં પ્રસરેલી હતી અને લિવર, મોટું આંતરડું, સ્વાદુપિંડ સહિત પેટના અન્ય મહત્વપૂર્ણ અંગો સાથે ચોંટેલી હોવાથી સર્જરી અત્યંત જટિલ હતી. ગાંઠનો વ્યાપ પાચનતંત્રના વિવિધ ભાગો સુધી ફેલાયેલો હોવાથી સર્જરી તબીબો માટે પડકારરૂપ બની હતી. દમણિયા હોસ્પિટલના નિષ્ણાંત જનરલ સર્જન ડો. રાજેશ પટેલ અને તેમની તબીબી ટીમે જરૂરી તકેદારી, કુશળતા અને અનુભવ સાથે સફળતાપૂર્વક સર્જરી કરી ૩,૧૦૦ ગ્રામ વજનની વિશાળ ગાંઠને દૂર કરી હતી. સફળ ઓપરેશન બાદ દર્દીની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે તેમજ લાંબા સમયથી રહેતા પેટના દુઃખાવામાં પણ રાહત મળી છે. સફળ સર્જરી બદલ હસમુખભાઈ પટેલે દમણિયા હોસ્પિટલના તબીબો તથા સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગણદેવી દમણિયા હોસ્પિટલમાં આ અગાઉ પણ જટિલ અને દુર્લભ પ્રકારના વિવિધ ઓપરેશનો સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે. તબીબી ટીમની નિષ્ણાતતા, આધુનિક સારવાર પદ્ધતિ અને દર્દીઓ પ્રત્યેની સેવાભાવનાને કારણે ગણદેવી સહિત આસપાસના વિસ્તારના દર્દીઓને સ્થાનિક સ્તરે જ જટિલ સારવારનો લાભ મળી રહ્ના છે. ૩.૧૦૦ કિલોની દુર્લભ ગાંઠની સફળ સર્જરી દમણિયા હોસ્પિટલની તબીબી ટીમ માટે નોંધપાત્ર સિદ્ધિ બની છે અને સ્થાનિક આરોગ્ય ક્ષેત્ર માટે પણ આ સફળતા પ્રેરણારૂપ બની છે.
