Damanganga Times.

Damanganga Times.

September 08, 2026

ઉમરગામના વિકાસના પ્રશ્નો કલેકટર સમક્ષ રજૂ કરાયા

ઉમરગામના વિકાસના પ્રશ્નો કલેકટર સમક્ષ રજૂ કરાયા


ઉમરગામ, તા.૦૭ ઃ ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરની આગેવાનીમાં સરપંચો, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો તથા નોટિફાઇડ બોર્ડના ચેરમેન સહિતનું પ્રતિનિધિ મંડળ જિલ્લા કલેકટરને રૂબરૂ મળ્યું હતું. મુલાકાત દરમિયાન તાલુકાના વિવિધ વિભાગોને લગતા આશરે આઠ જેટલા મહત્વના પ્રશ્નો અંગે વિસ્તૃત રજૂઆત કરી ચર્ચા કરવામાં આવી હતી.
પ્રતિનિધિ મંડળ દ્વારા ગ્રામ પંચાયત વિસ્તારોમાં કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટેની વ્યવસ્થા, મંજૂર થયેલા રસ્તા અંગે રજૂ થયેલા વાંધા સહિતના પ્રશ્નો કલેકટર સમક્ષ મૂકવામાં આવ્યા હતા. રસ્તાના પ્રશ્ને ધારાસભ્ય રમણભાઈ પાટકરે વિસ્તારપૂર્વક પોતાની રજૂઆત કરી હતી અને સંબંધિત રસ્તો વિસ્તારના લોકો માટે શા માટે ઉપયોગી અને જરૂરી છે તેની જાણકારી પણ આપી હતી.
તદુપરાંત મરોલી સ્કૂલને લગતા પ્રશ્નો તેમજ ભઠ્ઠી કરમબેલી ખાતે સર્વ સમાજના ઉપયોગ માટે નિર્માણ પામનાર હોલ સામે રજૂ થયેલા વાંધા અંગે પણ ધારાસભ્ય તથા પ્રતિનિધિ મંડળે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. આ ઉપરાંત તાલુકાના વિકાસ સાથે સંકળાયેલા તેમજ જાહેર હિતના અન્ય મહત્વના પ્રશ્નો અને વિષયો અંગે પણ કલેકટર સાથે ગહન ચર્ચા કરવામાં આવી હતી.
તાલુકામાં વિકાસના કામો રૂંધાય નહીં અને લોકોને જરૂરી સુવિધાઓનો લાભ સમયસર મળી રહે તે હેતુથી રજૂ કરાયેલા પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવા ધારાસભ્ય રમણભાઈ પાટકર તથા પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેકટરને વિનંતી કરી હતી. રજૂઆતોને શાંતિપૂર્વક સાંભળ્યા બાદ જિલ્લા કલેકટરે તમામ પ્રશ્નોનો નિયમોનુસાર નિકાલ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. સાથે જ સંબંધિત પ્રશ્નોને જરૂરી કાર્યવાહી માટે સંબંધિત વિભાગના અધિકારીઓના ધ્યાને મૂકવા જણાવ્યું હતું. પ્રતિનિધિ મંડળમાં તાલુકા પંચાયત સરપંચ સંઘના પ્રમુખ રાકેશભાઈ વઘાત, જિલ્લા પંચાયત સભ્ય રામદાસભાઈ, નરેશભાઈ પરમાર, ખતલવાડ જિલ્લા પંચાયત સભ્ય ભાવિનીબેન, તાલુકા પંચાયત પ્રમુખ સંતોષભાઈ, કારોબારી અધ્યક્ષ મનીષભાઈ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય દીપકભાઈ મિસ્ત્રી, સરીગામ નોટિફાઇડ બોર્ડના ચેરમેન દિલીપભાઈ ભંડારી, ખતલવાડ ગ્રામ પંચાયતના સરપંચ સુરેન્દ્રભાઈ ટંડેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્ના હતા. પ્રતિનિધિ મંડળના સભ્યોઍ જિલ્લા કલેકટરના સકારાત્મક અભિગમને બિરદાવ્યો હતો અને તમામ પ્રશ્નોને ધીરજપૂર્વક સાંભળી તેના નિયમસર નિકાલ માટે ખાતરી આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.