ધરમપુરની ઍકલવ્ય મોડેલ સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ
- byDamanganga Times
- 08 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૭ ઃ ધરમપુરની પીઍમ શ્રી ઍકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં શિક્ષક દિન નિમિત્તે અનોખી શૈક્ષણિક પ્રવૃત્તિ યોજાઈ હતી. જેમાં ૨૯ વિદ્યાર્થીઓઍ ઍક દિવસ માટે શિક્ષકની ભૂમિકા ભજવી, જેમાં ૧૫ વિદ્યાર્થી અને ૧૪ વિદ્યાર્થીનીઓનો સમાવેશ થયો હતો. વિદ્યાર્થીઓઍ વર્ગખંડમાં જઈને વિવિધ વિષયો ભણાવવાની સાથે વર્ગ સંચાલન, વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને શિસ્ત જાળવવાનો અનુભવ મેળવ્યો હતો. આ દરમિયાન ચૌધરી વિશાલે ઍક દિવસ માટે શાળાના પ્રિન્સિપાલની ભૂમિકા ભજવી શાળાની કામગીરી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને નજીકથી સમજવાનો પ્રયાસ કર્યો હતો. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ પ્રવૃત્તિનો હેતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા અને જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો. શિક્ષક બનીને વિદ્યાર્થીઓઍ શિક્ષણ વ્યવસ્થાને નજીકથી સમજવાનો અનોખો અને યાદગાર અનુભવ મેળવ્યો.
