Damanganga Times.

Damanganga Times.

September 04, 2026

માંડા ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું

માંડા ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૦૩ ઃ ઉમરગામ તાલુકામાં સ્વચ્છ ભારત અભિયાનને વધુ વેગ આપવા માટે માંડા ગામ ખાતે વિશાળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રમણભાઈ પાટકરની આગેવાની અને નેતૃત્વમાં યોજાયેલા આ અભિયાનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો, ભાજપના આગેવાનો, પ્રતિનિધિઓ, સમાજ શ્રેષ્ઠીઓ તથા જાગૃત નાગરિકો જોડાયા હતા.
માંડા ખાતે જિલ્લા પંચાયત સભ્ય રામદાસભાઈ, પૂર્વ સરપંચ તથા આગેવાન પ્રભુભાઈ ઠાકરીયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં લાઇબ્રેરી વિસ્તાર સહિત જાહેર સ્થળોઍ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્વયંસેવકો અને સ્થાનિક નાગરિકોઍ કચરો ઍકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરી જાહેર સ્થળોને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકરે લોકોને સ્વચ્છતા જાળવવા સાથે પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ નહીં કરવા અનુરોધ કર્યો હતો. તેમણે સ્વચ્છ પર્યાવરણ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો અને જાહેર સ્થળોઍ કચરો નહીં ફેંકવા અંગે પણ લોકોને જાગૃત કર્યા હતા.
ઉમરગામ તાલુકામાં સ્વચ્છ ભારત અભિયાનને જનઆંદોલનનું સ્વરૂપ આપવા માટે દર મહિનાના પ્રથમ રવિવારે વિવિધ જાહેર સ્થળોઍ સફાઈ અભિયાન હાથ ધરવાની કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને અગાઉ નારગોલ ખાતેથી આ અભિયાનની શરૂઆત કરાવી લોકોને ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના સંદેશને જીવનમાં ઉતારવા અપીલ કરી હતી.
આ પહેલના ભાગરૂપે અગાઉ ધારાસભ્ય રમણભાઈ પાટકરની આગેવાનીમાં ફણસા ખાતે પણ ભાજપના આગેવાનો, પ્રતિનિધિઓ અને સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન યોજાયું હતું. ત્યારબાદ માંડા ખાતે યોજાયેલા અભિયાનમાં પણ લોકોઍ ઉત્સાહપૂર્વક જોડાઈ સ્વચ્છતા પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી. સફાઈ અભિયાન દરમિયાન ‘સ્વચ્છ ગામ–સ્વસ્થ ગામ’ ના સંકલ્પ સાથે જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિક મુક્ત વાતાવરણ ઊભું કરવા સૌઍ સહયોગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.