ઉમરગામ તા. પં. ખાતે વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ
- byDamanganga Times
- 04 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૦૩ ઃ ઉમરગામ તાલુકામાં વિકાસકામોને વેગ આપવા તેમજ વિવિધ વહીવટી કામગીરીની સમીક્ષા કરવાના હેતુથી તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જનપ્રતિનિધિઓ, નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી તથા વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો ઉપસ્થિત રહ્ના હતા.
બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ સંતોષભાઈ, જિલ્લા પંચાયત સભ્ય રામદાસભાઈ, નરેશભાઈ, સરપંચ સંઘ પ્રમુખ રાકેશભાઈ વઘાત, ખતલવાડ ગ્રામ પંચાયતના સરપંચ સુરેન્દ્રભાઈ, સંજાણ ગ્રામ પંચાયતના સરપંચ ગુલાબભાઈ સહિત વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા.
ધારાસભ્ય રમણભાઈ પાટકરે નવનિયુક્ત તાલુકા વિકાસ અધિકારી સાથે ઉમરગામ તાલુકાની ભૌગોલિક અને સામાજિક પૃષ્ઠભૂમિ તેમજ ગ્રામ્ય વિસ્તારોની જરૂરિયાતો અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત તાલુકામાં અમલમાં રહેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ, હળપતિ આવાસ યોજના, આવાસ યોજનાઓ, રાજ્ય સરકાર તરફથી મળતી સહાય તથા ગ્રામ પંચાયત કક્ષાઍ થતી કામગીરી અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
આગામી સમયમાં મંજૂર થયેલા વિવિધ વિકાસકામોના અમલીકરણમાં વિલંબ ન થાય તે માટે જરૂરી વહીવટી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા. વિકાસકામોની ગુણવત્તા જળવાઈ રહે તેમજ યોજનાઓનો લાભ વાસ્તવિક લાભાર્થીઓ સુધી પહોંચે તે અંગે પણ ભાર મૂકાયો હતો.
ગ્રામ પંચાયત વિસ્તારોમાં સફાઈ વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા સહિતની મૂળભૂત સુવિધાઓ અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. ગ્રામજનોને પાણી, સફાઈ કે અન્ય પ્રાથમિક સુવિધાઓને લઈને ફરિયાદો ન કરવી પડે તે માટે સરપંચોને પોતાના વિસ્તારમાં નિયમિત દેખરેખ રાખવા અને જરૂરી કામગીરી હાથ ધરવા ધારાસભ્ય દ્વારા સૂચના આપવામાં આવી હતી. બેઠકના અંતે તાલુકાના વિકાસને વધુ ગતિ આપવા માટે જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર વચ્ચે સંકલન જાળવીને કામગીરી કરવા પર ભાર મૂકાયો હતો.
