Damanganga Times.

Damanganga Times.

September 12, 2026

અોવાડા ડમ્પિંગ સાઈડ મુદ્દે હાઈકોર્ટની વલસાડ કલેકટરને નોટીસ

અોવાડા ડમ્પિંગ સાઈડ મુદ્દે હાઈકોર્ટની વલસાડ કલેકટરને નોટીસ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૧ ઃ વલસાડ તાલુકાના ઓવાડા ગામે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ  માટે જમીન ફાળવવાના વહીવટી તંત્રના નિર્ણય સામે ગ્રામજનોનો વિરોધ હવે કાનૂની મોરચે પહોંચ્યો છે. ઓવાડા ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલી સ્પેશિયલ સિવિલ ઍપ્લિકેશન પર સુનાવણી હાથ ધરીને હાઇકોર્ટે વલસાડ જિલ્લા કલેક્ટરને નોટિસ જારી કરી છે.
વલસાડ નગરપાલિકાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે જમીન ફાળવતી વખતે નિયત નિયમો અને પર્યાવરણીય માપદંડોનું પાલન કરવામાં આવ્યું નથી, તેવા ગંભીર આક્ષેપો પંચાયત દ્વારા કરવામાં આવ્યા છે. ઓવાડા પંચાયત વતી જાણીતા ધારાશાસ્ત્રી બી. ઍમ. માંગુકિયાઍ સ્પે. સિવિલ ઍપ્લિકેશન નં. ૧૨૨૯૪/૨૦૨૬ મારફતે હાઇકોર્ટ સમક્ષ દલીલો રજૂ કરી હતી. જસ્ટિસ શ્રી નિરલ મહેતાની અદાલતે પ્રાથમિક સુનાવણી બાદ કલેક્ટર તંત્રને નોટિસ ફટકારી નિયમોના પાલન અંગે તા. ૨૧ સપ્ટેમ્બર સુધીમાં સોગંદનામા સ્વરૂપે વિગતવાર ખુલાસો રજૂ કરવા તાકીદ કરી છે. આ મામલાની વધુ સુનાવણી ૨૧ સપ્ટેમ્બરે અગ્રીમ ધોરણે હાથ ધરવામાં આવશે. ઓવાડા ગામના પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા આ પ્રોજેક્ટ સામે ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, કોંગ્રેસના સ્થાનિક આગેવાનો તેમજ ગામના જાગૃત નાગરિકોઍ સંગઠિત થઈને વિરોધ નોંધાવ્યો હતો. હાઇકોર્ટના આ વલણથી સ્થાનિકોમાં ન્યાયની આશા બંધાઈ છે અને ગ્રામજનોની લડતને કાનૂની સ્તરે મોટું બળ મળ્યું છે.