અતુલ ગ્રા.પં.માં સરપંચ-ઉપસરપંચની હકાલપટ્ટી બાદ વહીવટ ઠપ્પ
- byDamanganga Times
- 31 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૦ ઃ વલસાડ તાલુકાની મહત્વની ગણાતી અતુલ ગ્રામ પંચાયતમાં વિવાદો અને વહીવટી અવ્યવસ્થાને કારણે ગામનો વિકાસ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. અગાઉ પંચાયતમાં વિવિધ બિલોના ચૂકવણા બાબતે થયેલી ફરિયાદોના આધારે વલસાડ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરીને સરપંચ વિક્રમ નાયકાને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા.
છેલ્લા કેટલાક મહિનાઓથી સરપંચ અને ઉપસરપંચ બંનેના પદ ખાલી હોવા છતાં તંત્ર દ્વારા અન્ય કોઈ સભ્યને ચાર્જ સોંપવામાં આવ્યો નથી કે નવી કોઈ નિમણૂક કરવામાં આવી નથી. પંચાયતનું સુકાન સંભાળનાર કોઈ ન હોવાથી વહીવટ સંપૂર્ણપણે ખોરંભે પડ્યો છે.વિવિધ ઍજન્સીઓ દ્વારા કરવામાં આવેલા કામોના બિલો મંજૂરી વિના પંચાયત દફતરે પેન્ડિંગ પડ્યા છે. અન્ય સભ્યોના વોર્ડ વિસ્તારમાં ચાલતા અને મંજૂર થયેલા વિકાસ કામો અટકી પડ્યા છે. રોજિંદા ગ્રામીણ કામકાજ માટે અરજદારોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. ગામનો વિકાસ રુંધાતો અટકાવવા માટે વલસાડ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવે અને પંચાયતના સક્ષમ સભ્યોમાંથી કોઈને ચાર્જ સોંપી વહીવટ પુનઃ ધમધમતો કરવામાં આવે તેવી પ્રબળ લોકમાગ અતુલ પંથકમાં ઉઠી છે.
